<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

'મારી પીઠ પાછળ વાર થયો': સમય આવ્યે સત્ય સામે આવશે: હત્યા કેસમાં સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ઇન્ટરવ્યૂમાં મૌન તોડ્યું

રાજકોટ: ગોંડલના ચકચારી કોંગ્રેસી ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા અને હાલ કાનૂની વિવાદોમાં ઘેરાયેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ પહેલીવાર વી–ટીવી ઇન્ટરવ્યૂમાં પોતાની પરિસ્થિતિ અંગે મોટા ખુલાસા કર્યા છે. "મારી પર પાછળથી વાર થયો છે," તેવા વેધક નિવેદન સાથે તેમણે રાજકીય ષડયંત્રનો ભોગ બન્યા હોવાનો સ્પષ્ટ ઈશારો કર્યો છે.

 

તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમની સજા માફીના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે પણ તેમને સરેન્ડર થવાનો આદેશ આપતા તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 

 

આ કાનૂની ગૂંચવણો વચ્ચે વી–ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે તેઓ ક્યારેય કાયદાથી ભાગ્યા નથી અને હંમેશા ન્યાયતંત્રનું સન્માન કર્યું છે. જોકે, તેમણે પોતાના રાજકીય અને સામાજિક વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક લોકો તેમને સતત નિશાન બનાવી રહ્યા છે.

 

અનિરુદ્ધસિંહ જાડેજા ગોંડલ અને રાજકોટ પંથકના રાજકારણમાં એક દબદબાભર્યું નામ છે. તેમના પર અમિત ખૂંટ નામના યુવકને આપઘાત માટે મજબૂર કરવાનો પણ આરોપ છે, જે કેસમાં તેઓ લાંબા સમયથી ફરાર હતા. ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને સમય આવ્યે સત્ય સામે આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

 

તેમના આ નિવેદન બાદ રાજકોટના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે અને તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર તેમના પક્ષમાં સક્રિય થયા છે. આ ખુલાસાઓથી આગામી દિવસોમાં નવા રાજકીય વિવાદો સર્જાય તેવી પૂરી શક્યતાઓ છે.

(3:13 PM IST)