<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

બિહારની રાજનીતિમાં મહાભારત: મહાગઠબંધનમાં તિરાડ પડી રહી છે: કોંગ્રેસ-આરજેડી વચ્ચે સીટ વહેંચણીને લઈને ખટરાગ!

હાલમાં, બંને પક્ષોના નેતાઓ વચ્ચે સીધી વાતચીત થઈ નથી. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનો અંતિમ નિર્ણય શું હશે તે જોવું રહ્યું: એનડીએને હરાવવા સાથે મળીને લડવું જરૂરી

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. એક તરફ એનડીએમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ વિપક્ષી મહાગઠબંધનમાં પણ બધું બરાબર નથી. કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) વચ્ચે સીટ વહેંચણી અને મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલો સંઘર્ષ હવે ખુલ્લો પડ્યો છે. આ આંતરિક ઝઘડાને કારણે મહાગઠબંધનમાં તિરાડ પડવાની શક્યતા ઊભી થઈ છે.

કોંગ્રેસનો આક્રમક અભિગમ
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સુધારેલા પ્રદર્શને બિહાર એકમને નવો ઉત્સાહ આપ્યો છે. કોંગ્રેસ હવે આરજેડીના નાના સાથી તરીકે રહેવા માંગતી નથી. પાર્ટીએ આરજેડી સમક્ષ ત્રણ મોટી શરતો મૂકી છે:

* ૭૦ બેઠકોની માંગ: કોંગ્રેસ ૨૦૨૦ના આધાર પર ૭૦ બેઠકોની માંગ કરી રહી છે.

* બેઠકોની ગુણવત્તા: કોંગ્રેસનો દાવો છે કે અગાઉ તેને નબળી બેઠકો આપવામાં આવી હતી, તેથી આ વખતે સારી અને ખરાબ બેઠકોનું સંતુલન જાળવવું જોઈએ.

* નાયબ મુખ્યમંત્રી પદ: કોંગ્રેસ નાયબ મુખ્યમંત્રી પદની પણ માંગ કરી રહી છે.

તેજસ્વી યાદવનું કડક વલણ
બીજી તરફ, આરજેડીના નેતા તેજસ્વી યાદવ પણ પોતાનું વલણ કડક બનાવી રહ્યા છે. તેઓ પોતાની જાતને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ આ અંગે મૌન છે. તેજસ્વીએ તો અહીં સુધી કહી દીધું છે કે, જો જરૂર પડશે તો તેમની પાર્ટી ૨૪૩ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. જોકે, આ એક દબાણની યુક્તિ હોઈ શકે છે.

રાહુલ ગાંધીની યાત્રાનો પ્રભાવ
રાહુલ ગાંધીની "મતદાતા અધિકાર યાત્રા"માં એકત્ર થયેલી ભીડે કોંગ્રેસનું મનોબળ વધાર્યું છે. આ યાત્રામાં મહાગઠબંધનના તમામ મોટા નેતાઓ, જેમાં તેજસ્વી યાદવ પણ સામેલ હતા, જોડાયા હતા. જોકે, તેજસ્વી પોતાની "બિહાર અધિકાર યાત્રા"માં કોઈપણ સાથી પક્ષને સામેલ કરી રહ્યા નથી, જે મહાગઠબંધનમાં ચાલી રહેલા સંઘર્ષનો સ્પષ્ટ સંકેત આપે છે.

હાલમાં, બંને પક્ષોના નેતાઓ વચ્ચે સીધી વાતચીત થઈ નથી. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનો અંતિમ નિર્ણય શું હશે તે જોવું રહ્યું, કારણ કે તેઓ બંને જાણે છે કે એનડીએને હરાવવા માટે સાથે મળીને લડવું જરૂરી છે.

(6:10 PM IST)