તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
સોનામાં વધુ ૧૦૦૦ રૂા.-ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ઉછાળો
સોના-ચાંદીમાં સતત બીજા દિવસે તેજીના તરખાટના પગલે ભાવો નવી ઐતિહાસિક સપાટીએ સોનુ (૧૦ ગ્રામ) ના ભાવ ૧,૧૭,૦૦૦ રૂા. અને ચાંદીના ભાવ ૧,૩૮,૦૦૦ રૂા.ની નવી ટોચે : દિપાવલી અને લગ્નસરાની સીઝન પુર્વે જ સોના-ચાંદીના ભાવો બેકાબુ બનતા નવી ખરીદી માટે લોકો મુંઝવણમાં : ઇન્વેસ્ટરોને બખ્ખા

રાજકોટ, તા., ર૩: સોના-ચાંદીમાં સતત બીજા દિવસે તેજીના તરખાટના પગલે બંને કિંમતી ધાતુઓના ભાવોએ નવા કિર્તિમાન સ્થાપ્યા છે. આજે સોનામાં વધુ ૧૦૦૦ રૂા.નો તથા ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ઉછાળો થતા ભાવો નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૧૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ૧,૧૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૧૭,૦૦૦ રૂપીયાની નવી હાઇ સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૧૦,૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૧,૬૦,૦૦૦ હતા તે વધીને ૧૧,૭૦,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ યથાવત રહયો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૩૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૩૮,૦૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી.
વિશ્વ માર્કેટમાં પ્રવર્તમાન સ્થિતિમાં સોના-ચાંદીમાં રોકાણ સુરક્ષીત હોવાનું માની ઇન્વેસ્ટરો દ્વારા સોના-ચાંદીમાં મોટાપાયે રોકાણ થતા સોના-ચાંદીની ડીમાન્ડને કારણે ભાવવધારો થઇ રહયાનું તેમજ અમેરીકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ કપાતના સંકેતની ધારણાએ બંને કિંમતી ધાતુઓના ભાવો સતત વધી રહયાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.
દિપાવલી અને લગ્નસરાની સીઝન પુર્વે સોના-ચાંદીના ભાવો બેકાબુ બનતા નવી ખરીદી માટે લોકો મુંઝવણમાં મુકાયા છે. જયારે રોકાણકારોને સોના-ચાંદીનો સતત ભાવવધારો જેકપોટ સાબીત થઇ રહયો છે. (૪.૧૫)
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
