<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

કળિયુગી માઃ ૨૦ દિવસના માસૂમ બાળકના મોંમાં પથ્‍થર ભરી ફેવિક્‍વિકથી ચિપકાવી વગડામાં ફેંકી દીધું

રાજસ્‍થાનના ભીલવાડા જિલ્‍લાના બિજોલિયા વિસ્‍તારના સીતાકુંડ જંગલમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી

 

ભીલવાડા,તા.૨૪: રાજસ્‍થાનના આ જિલ્‍લાના બિજોલિયા વિસ્‍તારના સીતાકુંડ જંગલમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક કળિયુગી માએ ૧૫-૨૦ દિવસના માસૂમ શિશુને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી. જાણકારી અનુસાર, મહિલા માસૂમને જંગલમાં લઈને આવી અને તેના મોંમાં પથ્‍થર નાખી તેનું મોં ફેવિક્‍વિકથી ચિપકાવી મારવાની કોશિશ કરી. ત્‍યાર બાદ તે શિશુને પથ્‍થરોની વચ્‍ચે ફેંકીને જતી રહી. આ ઘટનાનો ખુલાસો ત્‍યારે થયો, જ્‍યારે ત્‍યાં બકરીઓ ચરાવતા અમુક માલધારીઓ ત્‍યાંથી પસાર થતાં તેમણે માસૂમ બાળકના કણસવાનો અવાજ સાંભળ્‍યો.

માલધારીઓએ તાત્‍કાલિક પથ્‍થરા હટાવ્‍યા અને જોયું તો બાળકનું મો પથ્‍થર અને ફેવિક્‍વિકથી ભરેલું હતું. ગરમ પથ્‍થરના કારણે તેની શરીર દાઝી ચુક્‍યું હતું. આ દ્રશ્‍ય જોઈ ગામલોકો ચોંકી ગયા. માલધારીઓએ તાત્‍કાલિક બાળકને બહાર કાઢ્‍યું અને પોલીસ તથા પ્રશાસનને સૂચના આપી. બિજોલિયા પોલીસ ઘટનાસ્‍થળે આવી અને માસૂમને તાત્‍કાલિક બિજોલિયા હોસ્‍પિટલ લઈ ગયા. ડોક્‍ટર્સના જણાવ્‍યા અનુસાર, મો તથા શરીર ગંભીર રીતે દાઝી ગયું છે અને તેની સારવાર ચાલી રહી છે.

ગામલોકોએ જણાવ્‍યું કે, આ ઘટના સમાજને હચમચાવી નાખતી છે. તેમણે પોલીસને દોષિ મહિલાને તાત્‍કાલિક પકડવા અને આકરી સજા અપાવવાની માગ કરી છે. તો વળી પોલીસે ઘટનાસ્‍થળનું નિરીક્ષણ કરી તપાસ શરુ કરી દીધી છે. સ્‍થાનિક લોકોનું કહેવું છે કે માસૂમનો જીવ બચાવનારા માલધારી ભગવાન બનીને આવ્‍યા. જો સમય પર અવાજ સાંભળી બાળકને બહાર ન કાઢ્‍યું હોત તો તેનો જીવ જવાનું નક્કી હતું.

હાલમાં બાળક હોસ્‍પિટલમાં દાખલ છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટના ન ફક્‍ત એક માસૂમના જીવન સાથે રમત છે, પણ સમાજ માટે પણ ચેતવણી છે કે માનવીય સંવેદનાઓ કેટલી હદે ખતમ થઈ રહી છે. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે આવા કિસ્‍સામાં તરત પોલીસને સૂચના આપો, જેથી માસૂમનો જીવ બચાવી શકાય

(9:19 AM IST)