<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

પક્ષી સંરક્ષણના પ્રયાસો રંગ લાવ્‍યાઃ કાશ્‍મીરની વુલરઃ ઝીલમાં પ્રથમવાર ૩ લાખથી વધુ વિદેશ પક્ષીઓ છવાયા

મધ્‍ય એશિયા, યુરોપ અને સાઇબિરીયાથી હજારો કિલોમીટરની યાત્રા કરીને આવતા આ પક્ષીઓ માટે વુલર ઝીલ પસંદગીનું શિયાળુ નિવાસસ્‍થાન બની ગયું હજુ તો આ પક્ષીઓના આગમનની શરૂઆત છેઃ ઓક્‍ટોબરના અંત સુધીમાં સંખ્‍યા ઘણી વધી જવાની સંભાવનાઃ ટુરિસ્‍ટો ઉમટવા લાગ્‍યા

શ્રીનગરઃ જમ્‍મુ અને કાશ્‍મીરની પ્રખ્‍યાત વુલર ઝીલમાં આ વર્ષે પ્રવાસી પક્ષીઓની સંખ્‍યામાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. એશિયન વોટરબર્ડ ગણતરી ૨૦૨૫ મુજબ, ત્રણ લાખથી વધુ પક્ષીઓનું આગમન થયું છે, જે ગત વર્ષની ૭૫૦૦૦ની સંખ્‍યા કરતાં ચાર ગણું વધારે છે. સરકારી સંરક્ષણ અને પુનઃસ્‍થાપનનાં પગલાંને કારણે મળેલ આ સફળતાથી વુલર ઝીલ પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની છે.

વિગતવાર જોઈએ તો કાશ્‍મીરની સૌથી મોટી મીઠા પાણીની વુલર ઝીલમાં આ વર્ષે પ્રવાસી પક્ષીઓના આગમનમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્‍યો છે. એક સત્તાવાર ગણતરી મુજબ, પ્રથમ વખત ત્રણ લાખથી વધુ વિદેશી પક્ષીઓએ ઝીલમાં પડાવ નાખ્‍યો છે, જે પર્યાવરણ માટે એક અત્‍યંત સકારાત્‍મક સંકેત છે.

અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, એશિયન વોટરબર્ડ ગણતરી ૨૦૨૫માં આ આંકડો નોંધાયો છે, જે ગત વર્ષના ૭૫૦૦૦ પક્ષીઓની સરખામણીમાં ચાર ગણો વધારો દર્શાવે છે. હજુ તો આ પક્ષીઓના આગમનની શરૂઆત છે અને ઓક્‍ટોબરના અંત સુધીમાં આ સંખ્‍યામાં હજુ પણ વધારો થવાની સંભાવના છે.

આ વધારા પાછળનું મુખ્‍ય કારણ ‘વુલર સંરક્ષણ અને વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણ' દ્વારા છેલ્‍લાં કેટલાંક વર્ષોમાં હાથ ધરાયેલા સંરક્ષણના પ્રયાસો છે. ઝીલની સફાઈ, કાંપ દૂર કરવો, પક્ષીઓના નિવાસસ્‍થાનનું પુનઃસ્‍થાપન અને સીસીટીવી દ્વારા દેખરેખ જેવાં પગલાંને કારણે ઝીલનું પર્યાવરણ પક્ષીઓ માટે વધુ અનુકૂળ બન્‍યું છે.

આ વર્ષે આવેલા પક્ષીઓમાં નોર્ધન શોવેલર, મલાર્ડ અને ગાડવાલ જેવી પ્રજાતિઓ સૌથી વધુ સંખ્‍યામાં છે. આ ઉપરાંત, પિન્‍ટેલ અને અન્‍ય દુર્લભ પ્રજાતિઓ પણ મોટા ઝુંડમાં જોવા મળી રહી છે.

મધ્‍ય એશિયા, યુરોપ અને સાઇબિરીયાથી હજારો કિલોમીટરની યાત્રા કરીને આવતા આ પક્ષીઓ માટે વુલર ઝીલ પસંદગીનું શિયાળુ નિવાસસ્‍થાન બની ગયું છે. આ અદભૂત નજારો જોવા માટે દેશભરમાંથી પક્ષીપ્રેમીઓ કાશ્‍મીર પહોંચી રહ્યા છે.(૪૦.૩૦)

(3:25 PM IST)