<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

ઓનલાઈન બેટિંગ એપ કેસનો સકંજો કસાયો: યુવરાજ સિંહની ૭ કલાક પૂછપરછ, આજે અભિનેતા સોનુ સૂદ ઈડી સમક્ષ હાજર થશે

મુંબઈ: ઓનલાઈન બેટિંગ એપ 1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તપાસનો દોર લંબાવ્યો છે. ગઈકાલે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની સાત કલાકથી વધુ સમય પૂછપરછ કર્યા બાદ, આજે અભિનેતા સોનુ સૂદને પણ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

વિસ્તૃત વિગતો જોઈએ તો ઓનલાઈન સટ્ટાબાજીની એપ 1xBet સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દિગ્ગજ હસ્તીઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈડીએ ગઈકાલે, મંગળવારે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની સાત કલાકથી પણ વધુ સમય સુધી ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી.

આ જ કેસના સંદર્ભમાં, ઈડીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અન્વેશી જૈનની પણ ગઈકાલે પૂછપરછ કરી હતી. હવે આ તપાસનો રેલો બોલીવુડ સુધી પહોંચ્યો છે. ઈડીએ આ જ કેસમાં વધુ તપાસ માટે અભિનેતા સોનુ સૂદને આજે, બુધવારે, એજન્સી સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.

આ કેસમાં ઘણા પ્રખ્યાત કલાકારો અને ખેલાડીઓના નામ સામે આવી રહ્યા છે, જેઓ આ બેટિંગ એપનું પ્રમોશન કરતા હતા અથવા જેમની સાથે નાણાકીય વ્યવહારો થયા હોવાની આશંકા છે. યુવરાજ સિંહ અને સોનુ સૂદ જેવી મોટી હસ્તીઓની પૂછપરછથી આ કેસમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.

(12:22 PM IST)