હોંગકોંગ -ચીનમાં ભયંકર વાવાઝોડું 'રાગાસા' ત્રાટક્યું :દરિયામાં 5 મીટર ઊંચા મોજા ઉછળ્યા : શાળા-ઓફિસો બંધ: ફ્લાઇટ રદ
બંને દેશોમાં હાઈ એલર્ટ : શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મોટી ઈમારતો પાસે સમુદ્રના ઉછળતા મોજાના ભયાવહ દ્રશ્યો

પૂર્વ એશિયામાં 'ટાયફૂન રાગાસા' નામના વાવાઝોડાએ એન્ટ્રી કરી દીધી છે, જેની ગંભીર અસર હોંગકોંગ અને દક્ષિણ ચીનના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ બંને દેશોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચીને સાવચેતીના ભાગરૂપે લગભગ 10 શહેરોમાં શાળાઓ અને ઓફિસો બંધ કરવાનો આદેશ આપ્યો છે તેમજ ઘણી ફ્લાઇટ્સ પણ રદ કરી દીધી છે.
હોંગકોંગના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ટાયફૂન રાગાસાને કારણે પવન 121 માઈલ (૧૯૫ કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને તે દક્ષિણ ચીન સાગરના કિનારે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હોંગકોંગે મંગળવારે સાંજે લગભગ 6.40 વાગ્યે હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. દરિયામાં 4-5 મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા હતા, જેના કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મોટી ઈમારતો પાસે સમુદ્રના ઉછળતા મોજાના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ વાવાઝોડું અગાઉ ફિલિપાઇન્સ અને તાઇવાનમાં ભારે વિનાશ વેરી ચૂક્યું છે. ફિલિપાઇન્સમાં આ વાવાઝોડાને કારણે 2 લોકોના મોત થયા હતા, જ્યારે તાઇવાનમાં એક સરોવર ફાટવાથી 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હવે વાવાઝોડાએ ચીનમાં એન્ટ્રી કરી લીધી છે.
તાઇવાનમાં ટાયફૂન રાગાસાને કારણે 'ઓલ્ડ બેરિયર લેક' નામનું એક સરોવર અચાનક ફાટી ગયું, જેના પરિણામે મોટા પાયે ભૂસ્ખલન અને અચાનક પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. આ દુર્ઘટનામાં 14 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગત રાત સુધીમાં 30 લોકો ગુમ થયા હતા, જેમના માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ કુદરતી આફતમાં 260 લોકો ફસાયા હોવાની આશંકા છે.
આ વાવાઝોડું ચીન અને તાઇવાન પહેલા ફિલિપાઇન્સમાં પણ તબાહી મચાવી ચૂક્યું છે. ત્યાં આ ભયંકર વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, મકાનોની છત ઉડી ગઈ હતી અને 2 લોકોના મોત થયા હતા. ખાસ કરીને ઉત્તરી ફિલિપાઇન્સમાં હજારો લોકોને શાળાઓ અને રાહત કેન્દ્રોમાં આશરો લેવાની ફરજ પડી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
