News of Wednesday, 24th September 2025
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં નવા ૧૭ તાલુકા અને વાવ-થરાદ જિલ્લાની રચનાને મંજૂરી
વહીવટી સરળતા માટે પ્રજાલક્ષી નિર્ણય: વડાપ્રધાન નરેન્દ્રભાઈના 'ATVT' વિઝનને વેગ : નવા તાલુકાઓનો શહેરી ઢબે વિકાસ થશે અને વિકસિત ગુજરાતના સંકલ્પને બળ મળશે

ગાંધીનગર, સોમવાર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ અને જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતા આ નિર્ણય અંતર્ગત બનાસકાંઠામાંથી નવા વાવ-થરાદ જિલ્લાની રચના તેમજ હાલના ૨૧ તાલુકાઓમાંથી નવા ૧૭ તાલુકાઓની રચનાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી હવે રાજ્યમાં તાલુકાઓની કુલ સંખ્યા વધીને ૨૬૫ થશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વહીવટી સરળીકરણના વિચારને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વર્તમાન સરકાર વધુ વેગ આપી રહી છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા પૂરી પાડવાનો છે.
વાવ-થરાદ નવા જિલ્લાની રચના
મંત્રી ઋષિકેશ પટેલે નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની વિગતો આપતા કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના ૬ તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે નવા વાવ-થરાદ જિલ્લાની રચનાને મંજૂરી આપવામાં આવી છે.
વહીવટી વિકેન્દ્રીકરણ અને વિકાસ
મંત્રીએ જણાવ્યું કે, નવું તાલુકા મથક નજીકમાં મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધાઓમાં વધારો થશે, અને અંતરિયાળ ગામોમાંથી લોકોને સમય, શક્તિ અને નાણાંનો બચાવ થશે. આ નિર્ણય એ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૩માં શરૂ કરાયેલી 'આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકા' (ATVT) ની વિભાવનાને આગળ ધપાવે છે. ૨૦૧૩માં ૨૩ નવા તાલુકાઓની રચના બાદ આ પ્રથમવાર છે કે આટલી મોટી સંખ્યામાં નવા તાલુકાઓની રચના કરવામાં આવી રહી છે.
વધુમાં, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ ગત સ્વતંત્રતા દિવસે જાહેર કરેલી 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના'નો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેમનો પણ શહેરી ઢબે વિકાસ શક્ય બનશે. આ પગલાથી હાલના ૫૧ વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં ૧૦ નો વધારો થશે અને તેમને મળતી ગ્રાન્ટનો પણ લાભ પ્રાપ્ત થશે. આ નિર્ણય વિકસિત ભારત @ ૨૦૪૭ અને વિકસિત ગુજરાત @ ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ પૂરવાર થશે.
મંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, નવા જિલ્લા અને તાલુકાઓ માટેનું વહીવટી માળખું ઊભું કરવાની સાથે વિવિધ વિકાસ કાર્યો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે અને આ અંગેનું વિધિવત જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
