હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રશિયાની નવી ચાલ: ટ્રમ્પની ધમકીઓ બેઅસર, પુતિને એવું શતરંજ રમ્યું કે તિજોરી છલકાઈ ગઈ!: હંગેરી અને સ્લોવાકિયા જેવા કેટલાક દેશો રશિયન તેલ પર ખૂબ જ નિર્ભર
આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે રશિયાએ પોતાની તેલ સપ્લાય ચેઇનને મજબૂત રાખી છે, અને બંદરો પર સ્ટોરેજ ટેન્કોનો ઉપયોગ કરીને ડ્રોન હુમલાઓની અસરને કરી ઓછી

મોસ્કો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન (EU) દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાના પ્રયાસો છતાં, રશિયાએ તેલ વેચાણના નવા રેકોર્ડ બનાવીને આર્થિક મોરચે એક મોટી જીત મેળવી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, પશ્ચિમી દેશોના દબાણ છતાં, રશિયાએ પોતાની તેલની નિકાસમાં ભારે વધારો કર્યો છે.
પુતિનની વ્યૂહરચના થઈ સફળ!
યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા અને EU સતત રશિયા પર દબાણ બનાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તો EU દેશોને રશિયન તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરવા સુધીની હાકલ કરી હતી. પરંતુ આ બધી ચાલ નિષ્ફળ ગઈ. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક એવું કદમ ભર્યું કે દેશનો ખજાનો ક્રૂડ ઓઈલના નફાથી છલકાઈ ગયો.
* નિકાસમાં રેકોર્ડ વધારો: 21 સપ્ટેમ્બર સુધીના 28 દિવસમાં રશિયાની દરિયાઈ ક્રૂડ ઓઈલની નિકાસ સરેરાશ પ્રતિ દિવસ 3.62 મિલિયન બેરલ પર પહોંચી ગઈ, જે મે 2024 પછીનો સૌથી ઊંચો આંકડો છે.
* ડ્રોન હુમલાઓ પણ નિષ્ફળ: યુક્રેન દ્વારા રશિયન તેલ રિફાઇનરીઓ પર કરવામાં આવેલા ડ્રોન હુમલાઓથી ભલે થોડું નુકસાન થયું હોય, પરંતુ તેની અસર લાંબા ગાળાની રહી નથી. રશિયાએ સ્થાનિક ઉપયોગને બદલે સીધા જ ક્રૂડ ઓઈલને નિકાસ માટે ટર્મિનલ્સ પર મોકલી દીધું, જેનાથી વિદેશમાં પુરવઠો વધ્યો.
યુરોપિયન યુનિયનની મુંઝવણ
રશિયા પર નવા પ્રતિબંધો લાદવાની ટ્રમ્પની અપીલને યુરોપિયન યુનિયનમાં અસહમતિનો સામનો કરવો પડ્યો છે. હંગેરી અને સ્લોવાકિયા જેવા કેટલાક દેશો રશિયન તેલ પર ખૂબ જ નિર્ભર છે અને તેઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ પરિસ્થિતિનો લાભ લઈને રશિયાએ તેની નિકાસ ચાલુ રાખી છે.
આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે રશિયાએ પોતાની તેલ સપ્લાય ચેઇનને મજબૂત રાખી છે, અને બંદરો પર સ્ટોરેજ ટેન્કોનો ઉપયોગ કરીને ડ્રોન હુમલાઓની અસરને ઓછી કરી છે. આમ, પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને ધમકીઓ છતાં, રશિયાએ આર્થિક રીતે પોતાની સ્થિતિ મજબૂત કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
