News of Friday, 26th September 2025
ઇતિહાસમાં પ્રથમ વખત ભારત-પાક. ફાઇનલમાં આમને-સામને
આજે ભારત-શ્રીલંકા વચ્ચે ઓપચારીક મુકાબલો એશિયા કપમાં ત્રીજી વખત બન્ને ટીમો ટકરાશેઃ ભારત નવમી વખત ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે

નવી દિલ્હી તા.૨૬: દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી સુપર-ફોરની જંગમાં પાકિસ્તાને બાંગ્લાદેશને ૧૧ રનમાં હરાવીને એશિયા કપ ૨૦૨૫ની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ૨૮ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી મુકાબલો જોવા મળશે. એશિયા કપના ૪૧ વર્ષના ઈતિહાસમાં પહેલી વાર આ બન્ને દેશો ફાઈનલમાં આમને-સામને આવશે.
આ મેચમાં ટોસ હારીને પહેલી બેટિંગ કરનારી પાકિસ્તાનની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૫ રન બનાવ્યા. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ હારિસે ૩૧ રન સાથે ટોપ સ્કોરર બન્યો. મોહમ્મદ નવાઝે ૨૫ રન, જ્યારે શાહીન આફ્રિદી અને સલમાન અલી આગાએ ૧૯-૧૯ રનનો ફાળો આપ્યો. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહમદે ૩ વિકેટ ઝડપી, જ્યારે રિશાદ હુસૈન અને મહેંદી હસને ૨-૨ વિકેટ મેળવ્યા. લક્ષ્યાંક હતો ૧૩૬ રનનો પરંતુ બાંગ્લાદેશ ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૨૪ રન જ બનાવી શક્યો. ટીમ માટે શમીમ હુસૈને ૩૦ રન કર્યા. ઉપરાંત સૈફ હસને ૧૮, નુરુલ હસન અને રિશાદ હુસૈને ૧૬-૧૬ રન બનાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો.
આ જીત સાથે પાકિસ્તાન સીધું ફાઈનલમાં પહોંચ્યું છે જ્યાં તેનો મુકાબલો ભારત સામે થશે. ક્રિકેટ ચાહકો માટે આ ઐતિહાસિક જંગ સૌથી મોટી ટક્કર ગણાશે કારણ કે એશિયા કપના ઇતિહાસમાં પહેલી વાર ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં આમને-સામને આવશે. ક્રિકેટપ્રેમીઓ જેની દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી પહોંચી છે. એશિયા કપ ૨૦૨૫ના ફાઈનલમાં હવે ભારત અને પાકિસ્તાન આમનેસામને આવશે. ગ્રુપ સ્ટેજ, સુપરફોર બાદ હવે બંને પડોશી ટીમો સીધી ખિતાબી જંગ માટે ટકરાશે.
૧૯૮૪માં એશિયા કપની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીના ૧૬ એડિશનમાં ક્યારેય ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટક્કર થઈ નથી. પરંતુ આ વખતે એ રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે. ૨૮ સપ્ટેમ્બર, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી વાર ભારતપાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાશે. ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં અપરાજિત રહી છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે યુએઈ, પાકિસ્તાન અને ઓમાનને હરાવી સુપર-૪માં પ્રવેશ કર્યો હતો. સુપર-૪માં પણ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવીને ફાઈનલ ટિકિટ મેળવી લીધી. અત્યાર સુધી ભારતે ૮ વખત એશિયા કપ જીત્યો છે (૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૦-૯૧, ૧૯૯૫, ૨૦૧૦, ૨૦૧૬, ૨૦૧૮, ૨૦૨૩). હવે ટીમ ૯મા ખિતાબ માટે મેદાનમાં ઉતરશે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
