News of Friday, 26th September 2025
જીએસટી ઘટાડા પછીના નવા ભાવના વેચાણના બિલ ને પ્રોડક્ટ્સના ભાવ મોકલી આપવા સીબીઆઇસીનો આદેશ
સીબીઆઇસીને ૨૮મી સપ્ટેમ્બર પહેલા વિગતો પહોંચતી કરવા અધિકારીઓને આદેશ પ્રોડક્ટ્સના નવા અને જૂના ભાવના ડેટા આપવા પડશેઃ બ્રાન્ડ-પ્રોડક્ટ્સના નામ, કદ, વજન અને નવી કિંમત સાથે બિલની વિગતો મોકલવી પડશે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે જીએસટીના ટેક્સ રેટમાં ઘટાડો કર્યો પછી કિંમત ઘટાડીને દુકાનદારો, મેન્યુફેક્ચરર્સ અને ડીલર્સ વેરા ઘટાડાનો લાભ આગળ પાસ કરી રહ્યા છે કે નહિ તેની ચકાસણી કરવાની સૂચના સમગ્ર ભારતના સીજીએસટી અને એસજીએસટીના અધિકારીઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ(CBIC)એ આપી દીધી છે. જીએસટીના નવા દરનો અમલ ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૫થી શરૂ થઈ ગયો છે.
એસજીએસટી અને સીજીએસટીના અધિકારીઓને દરેક બ્રાન્ડના પ્રોડક્ટ્સ અને તેની જૂની કિંમત અને નવી કિંમતની સરખામણી કરીને ભાવમાં ખરેખર ઘટાડો કરવામાં આવ્યો છે કે નહિ તેની ખરાઈ કરી લેવી જોઈએ એમ સીબીઆઈસીએ તેની સૂચનામાં જણાવ્યું છે. બ્રાન્ડદીઠ આઈટેમ્સમાં સૌંદર્ય પ્રસાધનો, સ્ટેશનરી, દવાઓ, રમકડાં, કન્ઝયુમર ડ્યૂરેબલ્સનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોડક્ટ્સના શ્ર ુતે પ્રોડક્ટ્સના નામ, કદ, વજન અને નવી કિંમત સાથે બિલની વિગતો તેમણે સીબીઆઈસીને મોકલવી પડશે. આ કાર્યવાહી ૨૮મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરી દેવાની સૂચના આપવામાં આવી છે. તેને માટે દરેક અધિકારીઓને અલગ અલગ ઓળખ નંબર આપી દેવામાં આવ્યા છે.
મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને દવાઓ બનાવતી કંપનીઓને ૩૧મી ડિસેમ્બર સુધીમાં તેમની પ્રાઈસ ટેગ બદલવાની છૂટ આપવામાં આવી છે. પ્રાઈસ ટેગ ન બદલાય તો તેવા સંજોગોમાં દવાઓ ઘટાડેલા ભાવથી વેચવાની સૂચના નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ આપી છે. એફએમસીજી કંપનીઓના પ્રોડક્ટ્સ પર ખાસ ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી છે.આ સાથે જ અધિકારીઓને એમેઝોન, ફિલપકાર્ટ, બ્લિન્કિટ, ઝેપ્ટો અને ઇન્સ્ટામાર્ટના પ્રોડક્ટ્સના વેચાણની વિગતો પણ એકત્રિત કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
