<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

8માં પગાર પંચમાં વિલંબને લઈને કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી: 14મીએ દેશવ્યાપી વિરોધનું એલાન

ગત જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે આઠમાં પગાર પંચને લીલી ઝંડી જરૂર આપી દીધી હતી

નવી દિલ્હી :ગત જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ભારત સરકારે આઠમાં પગાર પંચને લીલી ઝંડી જરૂર આપી દીધી હતી.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 8મા પગાર પંચની રચના સંદર્ભે કાર્યવાહી શરૂ થઈ ચૂકી હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થા અને દિવાળી બોનસની ફાઈલ આગળ ના વધતા સરકારી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

લાખો સરકારી કર્મચારીઓ તહેવારની સિઝનમાં સરકાર પ્રત્યે ખૂબ મોટી મોટી આશા રાખીને બેઠા હતા. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા હવે તેમણે બાંયો ચડાવવાનું શરૂ કરી દીધુ છે. અનેક કર્મચારી સંગઠનો પોતાની માંગણીને લઈને કેન્દ્રીય મંત્રીઓ તેમજ અધિકારીઓને પણ મળી ચૂક્યા છે.

જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ સકારાત્મક ઉત્તર ના મળતા ઑલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયઝ ફેડરેશન (AIDEF) દ્વારા આગામી 14 ઓક્ટોબર, 2025ના રોજ દેશવ્યાપી વિરોધ દિવસ મનાવવાનું એલાન આપવામાં આવ્યું છે.

AIDEFનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર 8મા પગાર પંચનું સત્તાવાર નોટીફિકેશન જારી કરવામાં સતત ગલ્લાતલ્લા કરી રહી છે. જેના પરિણામે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોમાં આક્રોશ છે. આ સાથે જ અત્યાર સુધી મોંઘવારી ભથ્થામાં વધારો કે દિવાળી બોનસની પણ કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

આ બાબતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનું કહેવું છે કે, સતત વધતી જતી મોંઘવારી અને સ્વાસ્થ્ય તેમજ શિક્ષણ પાછળ સતત વધી રહેલા ખર્ચા વચ્ચે છેલ્લા એક દાયકાથી DAમાં વધારાની રાહ જોઈ રહ્યા છીએ. જયારે સાંસદો અને ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં સમયાંતરે વધારો કરવામાં આવી રહ્યો છે. આથી સરકારે અમારી માંગણી પર પણ ધ્યાન આપવું જોઈએ અને આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવો જોઈએ.

વધુમાં AIDEFનું કહેવું છે કે, મોદી સરકારે ગત 16 જાન્યુઆરી, 2025ના રોજ 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય કરી દીધો હતો. આ સાથે જ નેશનલ કાઉન્સિલના સ્ટાફ પાસે ટર્મ ઑફ રેફરન્સનો ડ્રાફ્ટ પણ માંગ્યો હતો. જો કે 8 મહિના વીતી ગયા છતાં હજુ સુધી નોટીફિકેશન જારી નથી કરવામાં આવ્યું.

(12:48 AM IST)