News of Saturday, 27th September 2025
મારો ભાઈ સાચો દેશભક્ત, સરકારને માત્ર ચૂંટણી જીતવાની ચિંતાઃ પ્રિયંકા
સાચા દેશભક્તો લોકોની સમસ્યા જાણે છે, મતની ચિંતા નથી કરતા

મોતીહારી તા.૨૭: મારો ભાઈ સાચો દેશભક્ત છે, તેણે લોકોની સમસ્યાઓ સાંભળવા માટે ૪,૦૦૦ કિ.મી.ની પગપાળા યાત્રા કરી હતી તેમ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ અહીં યોજાયેલી એક સભામાં જણાવ્યું હતું. બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ પોતાની પ્રથમ રેલીને સંબોધતાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે, રાહુલ મારો ભાઈ છે એટલે તે સાચો દેશભક્ત છે તેમ હું નથી કહેતી. પરંતુ એક સાચો દેશભક્ત જ લોકોની સમસ્યાઓ સાંભળવા માટે ૪,૦૦૦ કિ.મી.ની પગપાળા યાત્રા કરી શકે છે. રાહુલની ભારત જોડો યાત્રા અંગે તેણે જણાવ્યું હતું કે, રાહુલ તેની યાત્રા દરમિયાન, વાળંદ, ચમાર, ખેતમજૂરો જેવા સામાન્ય લોકોને મળ્યો હતો અને તેમની મુશ્કેલીઓ જાણી હતી.
સાચા દેશભક્તની આ નિશાની છે, તેઓ માત્ર મત મેળવવા માટે લોકોને નથી મળતાં. એનડીએ સરકાર પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની એક માત્ર ચિંતા કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની અને ત્યારબાદ સત્તા જાળવી રાખવાની છે. વડાપ્રધાન પર આક્ષેપો કરતાં તેમણે જણાવ્યું હતું કે, અહીંના લોકો વિવિધ સમસ્યાઓથી પીડાય છે તેનું કારણ એ છે કે, પીએમ મોદી માત્ર અદાણી અને ટ્રમ્પ જેવા મિત્રોની જ ચિંતા કરે છે.(૩૮.૧૩)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
