<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

જોધપુર બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરનો ત્રિદિવસીય

લોકાપર્ણ સમારોહ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની રસધારા સાથે સંપન્‍ન : કેન્‍દ્રિય રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ અને કેન્‍દ્રિય મંત્રી ગજેન્‍દ્રસિંહની ઉપસ્‍થિતિઃ સંતો મહંતો દ્વારા આર્શીવચનો

 

રાજકોટ તા. ર૬: ગઇકાલે રપ સપ્‍ટેમ્‍બર ગુરૂવારના દિને છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર જોધપુરના મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનો ચરમસીમા રૂપ લોકાર્પણ સમારોહ રંગે ઉજવાયો હતો. સાંજે પ વાગ્‍યે શરૂ થયેલા લોકાર્પણ સમારોહનો મુખ્‍ય હાર્દ હતો, ‘મંદિરનું સમાજને પ્રદાન'. આ મંદિર નિર્માણના કાર્યને સફળ બનાવવા છેલ્લા સાત વર્ષથી સંતો અને જોધપુરના હજારો હરિભકતો દિનરાત પરિશ્રમ કરી અનેકવિધ મુશ્‍કેલીઓ વેઠીને, આર્થિક અને શારીરિક સમસ્‍યાઓને ગણકાર્યા વગર રાજસ્‍થાનની શાન સમા સુંદર કલાત્‍મક અને અદભુત મંદિર કાર્યને પૂર્ણ કર્યું. લોકાર્પણ સમારોહમાં પૂ. આદર્શજીવન સ્‍વામીએ આજ જોધપુરના મંદિર નિર્માણની ‘ઇતિહાસ ગાથા' વકતવ્‍ય રૂપે પ્રસ્‍તુત કરી હતી.

પૂજય મુનિવત્‍સલ સ્‍વામી એ ‘આ મંદિર જ્ઞાનનું કેન્‍દ્ર છે' વિષયક જ્ઞાન સભર વકતવ્‍યનો લાભ આપ્‍યો હતો. સદગુરુ વિવેકસાગર સ્‍વામીએ આ મંદિર દ્વારા ભકિત ગંગાની ભગીરથી કેવી રીતે વહેશે વિષયક ભકિતમય વકતવ્‍યથી પ્રેરિત કર્યા. પૂજય બ્ર્‌હમવિહારી સ્‍વામીએ આવા મંદિરોના નિર્માણ દ્વારા કેવા સેવાકીય કાર્યો થઇ રહ્યા વિષયક વકતવ્‍યથી સેવા કાર્ય માટે પ્રેરિત કર્યા હતા. લોકાર્પણ સમારોહમાં મુખ્‍ય અતિથિ રૂપે કેન્‍દ્રીય રેલમંત્રી શ્રી અશ્‍વિની વૈષ્‍ણવજી તેમજ કેન્‍દ્રીય સંસ્‍કૃતિ મંત્રી શ્રી ગજેન્‍દ્રસિંહ શેખાવતજી ઉપસ્‍થિત રહ્યા હતા. આ અવસરે શ્રી અશ્‍વિની વૈષ્‍ણવજીએ બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના સેવાકીય અને લોક કાર્યની પ્રશંસા કરી હતી. શ્રી ગજેન્‍દ્રસિંહ શેખાવતજીએ સનાતન સંસ્‍કૃતિના પોષણમાં બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના યોગદાનને બીરદાવ્‍યું હતું. આ સાથે સાથે દ્રશ્‍ય શ્રાવ્‍યના માધ્‍યમ દ્વારા ‘મંદિરનું સમાજને પ્રદાન' વિષયક પ્રસ્‍તુતિઓ દર્શાવવામાં આવી હતી.

લોકર્પણ સમારોહના અંતિમ ચરણમાં પરમ પૂજય મહંત સ્‍વામી મહારાજે આશીર્વાદ પાઠવતા જણાવ્‍યું કે, આ મંદિર બધાનું મંદિર છે. જે-જે અહી દર્શને આવશે તેમને સુખ શાંતિ પ્રાપ્‍ત થશે. મંદિર લોકાપર્ણ સમારોહનો લાભ લેવા માટે જોધપુરનું માનવ મહેરામણ ઉમટી પડયું હતું. સમારોહના અંતિમ ચરણમાં ભગવાનને આરતી અર્ધય અર્પણ કરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું સમાપન કરવામાં આવ્‍યું હતું.

(2:10 PM IST)