તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Monday, 29th September 2025
મુંબઇમાં મોસમનો કુલ વરસાદ ૧૨૩ ઇંચ
જૂનમાં ૫૧૨.૭મીમી જુલાઇમાં ૭૯૭.૩મીમી, ઓગષ્ટમાં ૧૧૮૮.૮મીમી સપ્ટેમ્બરમાં ૫૨૪.૧મીમી વરસાદ

મુંબઈ તા.૨૯: એક તરફ દેશમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઈ રહ્યું છે ત્યારે મુંબઈ સહિત રાજ્યમાં વરસાદ થમવાનું નામ લેતો નથી. રવિવારના મુંબઈમાં રેડ અલર્ટની ચેતવણી હોઈ આખો દિવસ ભારે વરસાદ પડયો હતો, જોકે રવિવારની રજા હોવાથી મોટાભાગના મુંબઈગરએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
આ દરમ્યાન શનિવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે મુંબઈમાં મોસમનો સરેરાશ વરસાદ ૩,૦૦૦ મિ.મી.ને પાર કરી ગયો છે. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં મુંબઈમાં સાંતાક્રુઝમાં ૩,૦૭૭ મિ.મી. વરસાદ નોંધાઈ ચૂકયો છે. તો કોલાબામાં નોંધાયેલો ૧૨૦.૮ મિ.મી.નો વરસાદ સપ્ટેમ્બરનો છેલ્લા પાંચ વર્ષનો બીજા નંબરનો હાઈએસ્ટ વરસાદ રહ્યો હતો.
શનિવાર સવારના ૮.૩૦ વાગ્યાથી રવિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના સમયગાળામાં કોલાબામાં ૧૨૦.૮ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૮૩.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો શનિવાર સવારના ૮.૩૦ વાગ્યાથી રવિવાર સાંજના ૫.૩૦ વાગ્યા સુધીના ૩૩ કલાકમાં કોલાબામાં ૨૧૪ મિ.મી. (નવ ઈંચ) વરસાદ નોંધાયો હતો, જેમાં રવિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં ૧૨૦.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. એ બાદ સાંજના ૫.૩૦ વાગ્યા સુધીના નવ કલાકમાં ૯૩.૨ મિ.મી. જેટલો વરસાદ પડતા કુલ મળીને ૨૦૦ મિ.મી. આંકડાને પાર કરી ગયો હતો.
મુંબઈમાં મોસમનો સરેરાશ વરસાદ ૩,૦૦૦ મિ.મી. પાર કરી ગયો છે. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં મુંબઈમાં ૩,૦૨૨.૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો. સાંજ સુધીમાં મોસમનો કુલ વરસાદનો આંકડો ૩,૦૭૭ મિ.મી.એ પહોંચી ગયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષમાં જૂનમાં ૫૧૨.૭ મિ.મી., જુલાઈમાં ૭૯૭.૩ મિ.મી., ઓગસ્ટમાં ૧,૧૮૮.૮ મિ.મી. વરસાદ પડયો છે. તો ૨૮ સપ્ટેમ્બરના સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં ૫૨૪.૧ મિ.મી. વરસાદ નોંધાઈ ચૂકયો છે. સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ ૩૮૩.૫ મિ.મી. વરસાદ પડતો હોય છે પણ તેની સામે આ વર્ષે ૨૦ સપ્ટેમ્બરના જ માસિક સરેરાશ વરસાદના આંકડાને પાર કરી ગયો હતો.(૩૮.૯)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
