News of Monday, 29th September 2025
જીએસટી ૨.૦: વેપારીઓને એડિશનલ ક્રેડિટના ઝડપી રિફંડની જાહેરાતની અપેક્ષા
હાલમાં વેપારીઓ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપીને તેમનો માલ વેચી રહયા છે : જૂની ઈન્વેન્ટરી ઉપર વધુ જીએસટીની ખોટની સમસ્યાં વેપારી સામે આવી : ડિસ્ટ્રિબ્યુટરોએ હાલમાં ભાવ નવા જીએસટી મુજબ ઘટાડયાં છે પણ રિટેઇલરોના હાથમાં ખરેખર ચાવી રહી છે

મુંબઇ, તા.૨૯: કેન્દ્ર સરકાર દ્વારા ર૨મી સપ્ટેમ્બરથી જીએસટીના દરમાં ધરખમ ઘટાડો કર્યો છે ત્યારે હાલમાં ચાલી રહેલા બચત ઉત્સવ દરમિયાન વિવિધ ચીજ વસ્તુઓની ધૂમ ખરીદી નિકળી છે. એરકન્ડિશનર, ટેલિવિઝન, મોનિટર, ડિશ વોશર પાવર બેંક સહિતની ચીજ વસ્તુઓ સસ્તી થઈ છે. બીજી તરફ ઓટોમોબાઈલમાં પણ ટુ વ્હિલર, ફોર વ્હિલરના દરમાં ઘટાડો થયો છે તેને સારો પ્રતિસાદ ગ્રાહકો દ્વારા મળી રહ્યો છે.જીવન જરૂરી ચીજોના ભાવ પણ ઘટયા છે. તહેવારોની સિઝન હોવાથી વેપારીઓ પણ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપીને તેમનો માલ વેચી રહ્યા છે. ડિસ્કાઉન્ટ આપીને વધુ ટર્નઓવર પણ કરવામાં કેટલાક વેપારીઓ માની રહ્યા છે.
જોકે બજારમાં નાના વેપારીઓને હાલમાં ઘટાડેલી કિંમતે કેવી રીતે વેંચાણ કરવું તે માટે કેટલીક સમસ્યાઓ નડી રહી છે. ૨૨ સપ્ટેમ્બર પહેલાં ખરીદેલો માલ કે જેના ઉપર ૧૮ ટકા જીએસટી ચૂકવાયો હોય તે ઘટાડેલી કિંમતે વેચે તો ખોટ જઈ રહી છે. આ સંજોગોમાં કેવી રીતે વેપાર કરવો તેની સમસ્યા છે. બીજી તરફ ડિસ્ટ્રિબ્યુટરો એડિશનલ ક્રેડિટનું રિફંડ અંગે સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટતા થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. ઉદાહરણ તરીકે રૂા.૧ કરોડનો બિઝનેસ હોય તો કેવી રીતે ટેક્સ ક્રેડિટનું રિફંડ મળશે અને કેટલા સમયમાં મળે તેની સ્પષ્ટતા થાય તે જરૂરી છે.
ખાસ કરીને એફએમસીજીના રિટેઈલરો પાસે જુના ભાવનો માલ પડ્યો હોય અને જીએસટી નંબર ન હોય તેવા નાના વેપારીઓ કેવી રીતે વેપાર કરવો તે અંગે મુંઝાયેલા છે. નવા ઘટાડેલા ભાવે વેચાણ કરવામાં આવે તો ખોટ જઈ શકે છે. બીજી તરફ તેમને રિએમ્બર્સમેન્ટ સરકાર કે કંપની તરફથી મળે. ડિસ્ટ્રિબ્યુટરોએ હાલમાં ભાવ નવા જીએસટી મુજબ ઘટાડયા છે. પણ રિટેઈલરોના હાથમાં ખરેખર ચાવી ન રહી છે.
એમ પણ ચર્ચાવ છે કે, ડિસેમ્બર સુધીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે થાળે પડી શકે છે. સપ્લાયરો પાસેથી સ્પષ્ટ ભાવ નીતિની હજી પણ અપેક્ષા નાના વેપારીઓ રાખી રહ્યા છે. નાના નગરના વેપારીઓ નવો અને જુનો બંને માલ વેચીને એડજેસ્ટમેન્ટ કરી રહ્યા છે. જ્યારે કેટલાક વેપારીઓ નવા ઘટાડેલા ભાવે ચીજ વસ્તુ વેચીને ખોટ સહન કરે છે. નાના કિરાણા સ્ટોરના સંચાલકોની સ્થિતિ એવી હોય છે કે, તેઓ ઓછા અને ફિક્સ માર્જિનથી સ્ટોર ચલાવતા હોય છે. આથી જૂનો સ્ટોકનો નિકાલ કરવો તે પણ સમસ્યા છે. નવી જીએસટી નીતિનો સંપૂર્ણ અમલ ૨ સપ્તાહ માગી લે તેમ હોય છે તેમ અભ્યાસુઓ જણાવે છે. બીજી તરફ એફએમસીજીની કંપનીઓ દ્વારા પણ નવી કિંમતોના લેબલ ઓક્ટોબરની મધ્યમાં લગાવવામાં આવી શકે તેમ હોવાનું જણાવાય છે. દવા બજારમાં પણ આવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે.(૨૩.૧૬)
સરકાર દ્વારા મોનિટરિંગ પણ શરૂ
કેન્દ્ર સરકાર દ્વારા પક્ષ મોનિટરિંગ શરૂ કરાયું છે. બીજી તરફ જીએસટી સંબંધી મુશ્કેલીઓ ફરિયાદો અંગે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર ૧૯૧૫ અને વોટ્સ એપ નંબર ૮૮૦૦૦૦૧૯૧૫ પણ જાહેર કરાયો છે. આ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ રિડ્રેસલ મિકેનિઝમ (INGRAM) પોર્ટલ ઉપર પણ રજૂઆત થઇ શકે છે.
FMCGનાં ડિસ્ટ્રિબ્યુટરો પણ ટૂંકમાં રજૂઆત કરશે
એફએમસીજીના ડિસ્ટ્રિબ્યુટરો પણ હાલમાં તેમને કેટલીક સમસ્યાઓ નડી રહી છે તે અંગે ટૂંક સમયમાં વિવિધ સત્તાવાળાઓને રજુઆત કરનાર હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને ઝડપથી એડિશનલ ટેક્સ ક્રેડિટ મળે તે બાબત મુખ્ય છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
