News of Monday, 29th September 2025
ખીણ ફરી જોશમાં!: પહેલગામ હુમલા બાદ બંધ થયેલા ૭ મુખ્ય પર્યટન સ્થળો ફરી ખૂલ્યા, LG મનોજ સિન્હાએ પ્રવાસનને ગ્રીન સિગ્નલ આપ્યો!
સ્થાનિક રોજગાર ફરી શરૂ થવાની અને ખીણમાં પ્રવાસીઓની અવરજવર વધવાની અપેક્ષા: આ પગલું, ખીણમાં સ્થિતિ સામાન્ય બની રહી હોવાનો આપે છે મજબૂત સંદેશ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર ખીણના પ્રવાસન ઉદ્યોગ માટે એક મોટા રાહતના સમાચાર છે. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે સોમવારે કાશ્મીર ખીણના સાત મુખ્ય પ્રવાસન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે, જે ૨૨ એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પછી સાવચેતીના પગલા રૂપે બંધ કરવામાં આવ્યા હતા.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં યુનિફાઇડ હેડક્વાર્ટરમાં શુક્રવારે મળેલી બેઠક બાદ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે UHQ બેઠકમાં વિગતવાર સુરક્ષા સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી, જેના આધારે આ સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
સુરક્ષા સમીક્ષા બાદ નિર્ણય
નોંધનીય છે કે ૨૨ એપ્રિલના રોજ પહેલગામના બાયસરન વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ, વહીવટીતંત્રે ખીણ અને જમ્મુ ક્ષેત્રમાં લગભગ ૫૦ પ્રવાસન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરી દીધા હતા.
સાત સ્થળોને ફરીથી ખોલવાના આ નિર્ણયથી પ્રવાસન વ્યવસાય અને સ્થાનિક રોજગાર ફરી શરૂ થવાની અને ખીણમાં પ્રવાસીઓની અવરજવર વધવાની અપેક્ષા છે. LG મનોજ સિન્હાના નિર્દેશો પર લેવાયેલું આ પગલું, ખીણમાં સ્થિતિ સામાન્ય બની રહી હોવાનો મજબૂત સંદેશ આપે છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
