<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

દિલ્હીમાં રાષ્ટ્રપતિની હાજરીમાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો

દેશભરમાં દશેરાની ધૂમઃજમ્મુ, દિલ્હી અને પટના સહિત દેશના અનેક શહેરોમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાયા, જેમાં લાખો લોકોએ ભાગ લીધો

નવી દિલ્હી, તા.૨

આજે દશેરા નિમિતે સાંજે દેશભરમાં રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું. જમ્મુ, દિલ્હી અને પટના સહિત દેશના અનેક શહેરોમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાયા, જેમાં લાખો લોકોએ ભાગ લીધો. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રીધાર્મિક લીલા સમિતિ દ્વારા આયોજિત વિજયાદશમી ઉત્સવમાં રાવણના પુતળાનું પ્રતીકાત્મક રીતે દહન કરવા માટે તીર છોડ્યું. દિલ્હીમાં અવિરત વરસાદ છતાં, દશેરાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાવણ દહન સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકો છત્રીઓ અને રેઈનકોટ સાથે કાર્યક્રમની મજા માણી રહ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, *માનવતા ભલાઈની સાથે ખીલે છે. જ્યારે આતંકવાદ રૃપી દાનવ માનવ જાતિ પર આક્રમણ કરે છે, તો તેનો સફાયો કરવો જરૃરી બની જાય છે. ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલ 'ઓપરેશન સિંદૂર' આતંકવાદ રૃપી રાવણ પર માનવતાના વિજયનું પ્રતીક છે. આ માટે, આપણે ભારત માતાની રક્ષા કરનાર દરેક યોદ્ધાને નમન કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ.* દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પીથમપુરા PU બ્લોક રામલીલા ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીની ઉજવણીમાં હાજરી આપી હતી. રાજધાની દિલ્હીમાં જૂદ-જુદી જગ્યાઓએ રાવણ દહનના કાર્યક્રમ થઈ રહ્યા છે. આ રાવણ દહનના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અનેક રાજકીય દિગ્ગજો સામેલ થયા છે. લાલ કિલ્લાના પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવ શ્રી ધાર્મિક રામલીલા સમિતિએ ૫૦ ફૂટ ઊંચા રાવણ અને ૪૫ ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકરણના પૂતળા બનાવ્યા છે. આ રામલીલામાં સોનિયા ગાંધી રાવણ દહન કરવા પહોંચ્યા.

 

(10:32 PM IST)