<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

જર્મનીનું મ્યુનિક એરપોર્ટ બંધ : અનેક ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ :આશરે ૩,૦૦૦ મુસાફરો ફસાયા

ગયા અઠવાડિયે જ ડેનમાર્ક અને પોલેન્ડના હવાઈ ક્ષેત્રમાં અજાણ્યા ડ્રોન જોવા મળતા કલાકો સુધી હવાઈ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.

નવી દિલ્હી : ડ્રોન દેખાતા જર્મનીના મ્યુનિક એરપોર્ટને આજ રોજ બંધ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. એરપોર્ટ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર 17 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને આશરે ૩,૦૦૦ મુસાફરો ફસાયા હતા. વધુમાં, 15 ફ્લાઇટ્સ પડોશી ઓસ્ટ્રિયાના સ્ટુટગાર્ટ, ન્યુરેમબર્ગ, ફ્રેન્કફર્ટ અને વિયેના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. અચાનક એરપોર્ટ બંધ કરવામાં આવતા મુસાફરો ગભરાઈ ગયા હતા.. 

 મ્યુનિક એરપોર્ટ પર 17 જેટલા ડ્રોન અચાનક જોવા મળ્યા. જેને પગલે એરપોર્ટને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય કરવો પડ્યો સાથે જ 17 ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે આ ઘટના એવા સમયે બની છે જ્યારે યુરોપના ઘણા નાટો દેશોમાં તાજેતરના દિવસોમાં ડ્રોન જોવા મળી રહ્યા છે. ગયા અઠવાડિયે જ ડેનમાર્ક અને પોલેન્ડના હવાઈ ક્ષેત્રમાં અજાણ્યા ડ્રોન જોવા મળ્યા હતા. જેના કારણે કલાકો સુધી હવાઈ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. 

જર્મન એરલાઇન લુફ્થાન્સાના હબ, મ્યુનિક એરપોર્ટે આ વર્ષના પ્રથમ છ મહિનામાં લગભગ ૨૦ મિલિયન મુસાફરોને સંભાળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં મુસાફરો વચ્ચે અચાનક ડ્રોન ચેતવણી આવવાથી માત્ર એરપોર્ટ જ નહીં પરંતુ સમગ્ર એરલાઇન સિસ્ટમ પર અસર પડી. એક મુસાફરે એરપોર્ટ હેલ્પલાઇનને જણાવ્યું કેટલીક ફ્લાઇટ્સ ઉડાન ભરવાની રાહ જોઈ રહી છે, તો કેટલીક રદ કરવામાં આવી છે. જોકે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ગયા અઠવાડિયે જ ડેનમાર્કના અનેક એરપોર્ટ પર ડ્રોન જોવા મળ્યા હતા. જેનાથી હજારો મુસાફરો પ્રભાવિત થયા હતા. 

ગુરુવારે, યુરોપિયન યુનિયનના નેતાઓએ ડેનિશ રાજધાની કોપનહેગનમાં ડ્રોન ઘટનાઓ અંગે બેઠક કરી હતી. અહીંની સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ઘટનાઓ રશિયન ચેતવણીનો ભાગ હોઈ શકે છે. જોકે ડેનમાર્કે સીધો આરોપ લગાવ્યો ના હતો. વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને રશિયા પર આંગળી ચીંધી હતી. તેમણે કહ્યું યુરોપે હવે પોતાની સુરક્ષા મજબૂત કરવી જોઈએ. આપણે ફક્ત આપણી ડ્રોન ઉત્પાદન ક્ષમતાઓ વધારવાની જ નહીં પરંતુ ડ્રોન વિરોધી સિસ્ટમો પણ વિકસાવવાની જરૂર છે.

 

યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને 'ડ્રોન વોલ' બનાવવાનો વિચાર પ્રસ્તાવિત કર્યો છે. આનો અર્થ એ છે કે યુરોપની પૂર્વીય સરહદો પર સુરક્ષા નેટવર્ક બનાવવું, કોઈપણ શંકાસ્પદ ડ્રોનને ઝડપથી ઓળખવા અને તોડી પાડવા માટે સેન્સર, રડાર અને શસ્ત્રો તૈનાત કરવા. નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે પણ આ વિચારને ટેકો આપ્યો છે સાથે જ તેને જરૂરી અને સમયસર પગલું ગણાવ્યું છે.

 

(11:19 PM IST)