તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 4th October 2025
શહીદની બહેનના લગ્નમાં સેનાના જવાનોએ પહોંચી ભાઈ તરીકેની તમામ જવાબદારી નિભાવી
સિરમૌર જિલ્લાના આંજભોજના ભરલી ગામના શહીદ આશીષ કુમારની બહેન આરાધનાના ગુરુવારે લગ્ન થયાઃ આ લગ્નમાં ખૂબ જ ભાવુક ક્ષણ જોવા મળી હતી

નાહન તા.૪: આરાધના (પૂજા)ના લગ્નનો સમારંભ ચાલી રહ્યો હતો. બધું જ હતું, પણ ભાઈની કમી અનુભવાઈ રહી હતી. પછી સાથી ફૌજી જવાનો અને પૂર્વ સૈનિકોએ આરાધનાને જિંદગીની સૌથી યાદગાર વિદાય આપી. કહાની હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાની છે, જ્યાં શહીદ ફૌજી જવાનની બહેનના લગ્નમાં, તેના સાથી ફૌજી જવાનોએ ભાઈની જવાબદારી ઉઠાવી લીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સિરમૌર જિલ્લાના આંજભોજના ભરલી ગામના શહીદ આશીષ કુમારની બહેન આરાધનાના ગુરુવારે લગ્ન થયા. આ લગ્નમાં ખૂબ જ ભાવુક ક્ષણ જોવા મળી હતી. શહીદ આશીષની બહેનના લગ્નમાં તેમની રેઝિમેન્ટના સૈનિક અને પાંવટા અને શિલાઈના ભૂતપૂર્વ સૈનિક સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા. આ દરમ્યાન સેનાના જવાનોએ આરાધનાના લગ્નમાં ભાઈનું કર્તવ્ય નિભાવ્યું અને દુલ્હનને મંડપ સુધી લઈ ગયા હતા
આ દરમ્યાન સૈનિકોએ બહેનને બેન્કમાં જમા એફડી તરીકે શગુન આપ્યું અને ભાઈની કમી પૂરી કરી. આ દ્રશ્યએ ત્યાં હાજર લોકોની આંખો ભીની કરી દીધી. આ કાર્યક્રમમાં સેનાના જવાનો અને સગા સંબંધીઓએ દુલ્હનને આશીર્વાદ આપ્યા હતા. આ દરમ્યાન તમામ ફૌજી જવાનોએ દુલ્હનને સાસરિયા સુધી મૂકવા જઈને ભાઈની જવાબદારી નિભાવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, શહીદ આશીષ કુમાર ૧૯ ગ્રેનેડિયરમાં તૈનાત હતા. ગત વર્ષે અરુણાચલ પ્રદેશમાં તૈનાતી દરમ્યાન ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ઓપરેશન એલર્ટ અંતર્ગત વીરતાનો પરિચય આપતા તેમણે દેશને પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. આ લગ્ન સમારંભમાં શહીદ આશીષની રેઝિમેન્ટમાંથી હવાલદાર રાકેશ કુમાર, નાયક રામપાલ સિંહ, નાયક મનીષ કુમાર, ગ્રેનેડિયર અભિષેક, ગ્રેનેડિયર આયુષ કુમાર તથા ક્ષેત્રમાંથી સેનામાં મેજર અનૂપ તોમર અને પેરાટ્રુપર નદિશ કુમાર સામેલ થયા હતા.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
