News of Saturday, 4th October 2025
નોર્થ કેરોલાઈનાની મોટેલમાં બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા
મૃતકોની ઓળખ અનીલ પટેલ અને પંકજ પટેલ તરીકે કરવામાં આવી, હત્યારો ફલોરિડાથી ઝડપાયો

નોર્થ કેરોલાઈના તા.૪: અમેરિકામાં વધુ બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, હજુ ગયા મહિને જ સાઉથ કેરોલાઈનામાં કિરણબેન પટેલ નામના એક ગુજરાતી મહિલાને લૂંટના ઈરાદે શૂટ કરી દેવાયા બાદ હવે નોર્થ કેરોલાઈનામાં અનીલ પટેલ અને પંકજ પટેલ નામના બે ગુજરાતીને શૂટ કરી દેવામાં આવતા યુએસમાં વસતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. આ બંને ગુજરાતીઓને એક મોટેલમાં શૂટ કરવામાં આવ્યા હતા, આ મોટેલ ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં આવી ચૂકી છે અને ગયા વર્ષે જ તેને બંધ પણ કરાવી દેવાઈ હતી.
લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડબલ શૂટિંગની આ ઘટના ઓક્ટોબર ૦૨ના રોજ ગુરુવારે બપોરે સવા એક વાગ્યે નોર્થવેસ્ટ શાર્લોટના એડલમેન રોડ પર આવેલી લેમ્પલાઈટર ઈન મોટેલમાં બની હતી. મોટેલમાં શૂટિંગ થયું હોવાનો ૯૧૧ પર કોલ મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે અનીલ પટેલ અને પંકજ પટેલ ત્યાં ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને પેરામેડિક્સ દ્વારા લોકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. આ બંને ગુજરાતીઓ એકબીજાના સંબંધી હતા કે કેમ તેમજ તેમની હત્યા પાછળનો ઈરાદો શું હતો તેની કોઈ વિગતો નથી મળી શકી. તો બીજી તરફ હત્યારાની ઓળખ ઓજુના-સિએરા તરીકે કરવામાં આવી છે જેને શુક્રવારે ફલોરિડામાંથી અરેસ્ટ કરવામાં આવ્યો હતો.
હાલ આ મોટેલને રિનોવેટ કરાવી તેને ફરી શરૂ કરવાની કામગીરી ચાલી રહી હતી. જોકે, શૂટ કરી દેવાયેલા અનીલ પટેલ અને પંકજ પટેલનું આ મોટેલ સાથે શું કનેક્શન હતું તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ શકી. આ બંને ગુજારાતીઓ પર પાર્કિંગ લોટમાં જ સાતેક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.
જે વિસ્તારમાં આ ઘટના બની છે ત્યાંના લોકલ લોકોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હોટેલ પર જે પ્રકારની ગતિવિધિ ચાલતી હતી તેના કારણે આવી ઘટના ક્યારેકને ક્યારેક તો બનવાની જ હતી. એક સ્થાનિક વ્યક્તિએ એવો પણ દાવો કર્યો હતો કે આ મોટેલમાં ડ્રગ્સ અને દેહવેપાર સહિતની પ્રવૃત્તિઓ ચાલતી હતી અને અનેકવાર કોઈ નાનું-મોટું છમકલું થતું રહેતું હોવાથી પોલીસ પણ અવારનવાર આ મોટેલ પર આવતી રહેતી હતી. નવેમ્બરમાં લેમ્પલાઈટર ઈન નામની આ મોટેલ બંધ થઈ ત્યારે તેના ઓનર તરીકે ચંદ્રેશ પટેલનું નામ રેકોર્ડ પર બોલાતું હતું પરંતુ ચંદ્રેશ પટેલે તે વખતે પોતે આ મોટેલ વેચી દીધી હોવાનો દાવો કર્યો હતો અને ત્યારબાદ OYO મારફતે તેનું બુકિંગ લેવાઈ રહ્યું હતું.
અમેરિકામાં ચાલુ વર્ષે અત્યારસુધીમાં ઓછામાં ઓછા છ ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે જેમાં મોટેલમાં શૂટિંગ થયું હોવાની કદાચ ૨૦૨૫ની આ પહેલી ઘટના છે. સ્ટોર્સમાં કામ કરતા લોકો પર મોટાભાગે લૂંટના ઈરાદે ગોળીબાર થતો હોય છે જ્યારે મોટેલમાં થતાં શૂટિંગ પાછળ મહદઅંશે પૈસા બાબતે થતી તકરાર જવાબદાર હોય છે. મોટેલ્સમાં રહેતા અમુક લોકો હોમલેસ પણ હોય છે અને તેઓ પોતાના ખર્ચા કાઢવા માટે ડ્રગ્સ વેચવા ઉપરાંત ટ્રાફિકિંગની પ્રવૃત્તિ પણ કરતા હોય છે. જો તેઓ રૂમ ખાલી ના કરે તો ક્યારેક મોટેલ ચલાવતા મેનેજર કે ઓનરની તેમની સાથે માથાકૂટ થઈ જતી હોય છે અને અમુક કેસમાં મામલો ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
