<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

ફિલ્‍મફેર એવોર્ડ ગુજરાતમાં યોજાશે: ગુજરાત ટેકનીકલ રાઇટીંગના વિજેતાની જાહેરાત

આગામી તારીખ 11 ઓક્ટોબરે અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ્સનું ભવ્ય આયોજન : બોલિવૂડના કિંગ શાહરુખ ખાન હોસ્ટ તરીકે દેખાશે, સાથે ફિલ્મમેકર કરણ જોહર તથા કરિશ્માઈ મનીષ પોલ પણ મંચ સંચાલન કરશે

મુંબઇઃ ફિલ્મફેરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025 વિથ ગુજરાત ટુરિઝમના ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના નેતૃત્વમાં આ એવોર્ડ્સનું આ વિશેષ સંસ્કરણ હિન્દી ફિલ્મ જગતમાં અદભૂત પ્રતિભા- ઉત્તમ કાર્યોના સન્માનનો ઉત્સવ છે.

 આ કોન્ફરન્સમાં ગુજરાત પ્રવાસન નિગમના સચિવશ્રી રાજેન્દ્ર કુમાર, રાજકુમાર રાવ,અભિનેત્રી તમન્ના ભાટિયા,હોલ-ટાઇમ ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરુણ ગર્ગ, ડિરેક્ટર, વર્લ્ડવાઈડ મીડિયા અને સીઇઓ રોહિત ગોપાકુમાર, ZENL, BCCL TV & ડિજિટલ નેટવર્ક તથા જીતેશ પિલ્લઈ – એડિટર-ઈન-ચીફ, ફિલ્મફેરમાં ઉપસ્થિત રહ્યા હતાં.

 ગુજરાત પ્રવાસન નિગમના સચિવ રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે “અમને આનંદ થાય છે કે 70મા ફિલ્મફેર એવોર્ડ્સ ફરી એકવાર ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. આપણા રાજ્યની વૈવિધ્યભર્યા ભૂદ્રશ્યો, સમૃદ્ધ સાંસ્કૃતિ અને અદ્યતન સુવિધાઓ ફિલ્મ મેકરો માટે સતત આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ પ્રતિષ્ઠિત સંસ્કરણનું આયોજન ગુજરાતને સિનેમા અને સાંસ્કૃતિક વિનિમય માટે પસંદગીનું ગંતવ્ય બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ પુનઃપ્રતિપાદિત કરે છે. આવા કાર્યક્રમો ફક્ત ફિલ્મોના જાદુનો ઉત્સવ તરીકે જ નથી મનાવતા, પરંતુ રાજ્યના જીવંત અને સર્જનાત્મક પરિસ્થિતિમાં નવા સહકાર અને નવીન પ્રયત્નોને પણ પ્રેરણા આપે છે.”

ગુજરાત ટુરિઝમ સાથેના 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025ના ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. ‘બેડ ન્યૂઝ’ના ગીત તૌબા તૌબા માટે બોસ્કો-સીઝરે બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ જીત્યો, જ્યારે મુંજ્યા માટે રિ-ડિફાઇનને બેસ્ટ VFX એવોર્ડ મળ્યો. લાપાતા લેડીઝ માટે રમ સંપથને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર એવોર્ડથી નવાજવામાં આવ્યા. કિલ માટે રફે મહમૂદે બેસ્ટ સિનેમેટોગ્રાફી અને મયુર શર્માએ બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન એવોર્ડ જીત્યા. લાપતા લેડીઝ માટે દર્શન જાલાનને બેસ્ટ કોસ્ચ્યુમ એવોર્ડ મળ્યો, જ્યારે કિલ માટે સુભાષ સાહૂએ બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન અને શિવકુમાર વી. પાનિકરે બેસ્ટ એડિટિંગ એવોર્ડ મેળવ્યા. કિલ માટે સેયોંગ ઓ અને પરવેઝ શેખને બેસ્ટ એક્શન એવોર્ડ મળ્યો.

આગામી તારીખ 11 ઓક્ટોબરે અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ્સનું ભવ્ય આયોજન થનાર છે, જેમાં બોલિવૂડના કિંગ શાહરુખ ખાન હોસ્ટ તરીકે દેખાશે, સાથે ફિલ્મમેકર કરણ જોહર તથા કરિશ્માઈ મનીષ પોલ પણ મંચ સંચાલન કરશે. આ રાત્રી બોલિવૂડના ચમકતા તારાઓ અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીના ઝગમગતા પરફોર્મન્સથી ઉજ્જવળ બની રહેશે.

ટિકિટો ડિસ્ટ્રિક્ટ એપ પર ખરીદી શકાય છે.

70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025 વિથ ગુજરાત ટુરિઝમ ટેક્નિકલ અને રાઇટિંગ એવોર્ડ્સ 

બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર: રમ સંપથ (લાપતા લેડીઝ)

બેસ્ટ સિનેમેટોગ્રાફી: રફે મહમૂદ (કિલ)

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: મયુર શર્મા (કિલ)

બેસ્ટ કોસ્ચ્યુમ: દર્શન જાલાન (લાપતા લેડીઝ)

બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન: સુભાષ સાહુ (કિલ)

બેસ્ટ એડિટિંગ: શિવકુમાર વી. પાનિકર (કિલ)

બેસ્ટ એક્શન: સેયો યંગ ઓ & પરવેઝ શેખ (કિલ)

બેસ્ટ VFX: રી-ડિફાઇન (મુંજ્યા)

બેસ્ટ કોરિયોગ્રાફી: બોસ્કો-સીઝર (તૌબા તૌબા – બેડ ન્યૂઝ)

રાઇટિંગ એવોર્ડ્સ:

બેસ્ટ સ્ટોરી: આદિત્ય ધર & મોનલ ઠાકર (આર્ટિકલ 370)

બેસ્ટ સ્ક્રીનપ્લે: સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)

બેસ્ટ ડાયલોગ: સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)

બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે: ઋતેશ શાહ (આઈ વોન્ટ ટુ ટોક)

(4:01 PM IST)