News of Sunday, 5th October 2025
લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા વૃંદાવનના સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના (પ્રેમાનંદ મહારાજના) દર્શન અનિશ્ચિત મુદત માટે સ્થગિત: સ્વાસ્થ્યના કારણોસર આશ્રમ દ્વારા જાહેરાત: ભક્તોમાં ચિંતાની લાગણી
પ્રેમાનંદ મહારાજજી છેલ્લા ઘણા વર્ષોથી કિડનીની ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યા છે: નિયમિતપણે ડાયાલિસિસ પર છે: તેમ છતાં, ભક્તોને દર્શન આપવા માટે વહેલી સવારે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાનથી યમુના કિનારે આવેલા તેમના આશ્રમ સુધી પદયાત્રા કરતા રહ્યા છે

વૃંદાવન: લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા વૃંદાવનના સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના દર્શન અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરવામાં આવ્યા છે. તેમના આશ્રમ, શ્રી હિત રાધા કેલિ કુંજ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે સ્વાસ્થ્યના કારણોસર મહારાજશ્રીની પ્રાતઃકાલીન પદયાત્રા હાલ પૂરતી બંધ રહેશે. આ નિર્ણયને પગલે દેશ-વિદેશથી તેમના દર્શન માટે આવતા ભક્તોને માર્ગ પર એકઠા ન થવા વિનંતી કરવામાં આવી છે.
આરોગ્યના કારણોસર લેવાયો નિર્ણય
પ્રેમાનંદ મહારાજજી છેલ્લા ઘણા વર્ષોથી કિડનીની ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યા છે અને નિયમિતપણે ડાયાલિસિસ પર છે. તેમ છતાં, તેઓ તેમના ભક્તોને દર્શન આપવા માટે વહેલી સવારે લગભગ ૪:૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાનથી યમુના કિનારે આવેલા તેમના આશ્રમ સુધી પદયાત્રા કરતા હતા.
જોકે, છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ પદયાત્રા પર આવી શક્યા ન હતા.
બે દિવસ સુધી ભક્તો તેમની રાહ જોતા રહ્યા, ત્યારબાદ આશ્રમ દ્વારા શનિવારે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સૂચના જાહેર કરવામાં આવી હતી.
સૂચનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, "પૂજ્ય મહારાજશ્રીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, જે પદયાત્રા સવારે ૪ વાગ્યે શ્રી હિત રાધા કેલિ કુંજ ખાતે થતી હતી, તે આગામી સૂચના સુધી બંધ કરવામાં આવી છે." આશ્રમે ભક્તોને અપીલ કરી છે કે તેઓ માર્ગ પર દર્શન માટે રાહ ન જુએ.
ભક્તોમાં ચિંતાનો માહોલ
આ સમાચાર ફેલાતાની સાથે જ મહારાજશ્રીના અનુયાયીઓમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. સોશિયલ મીડિયા પર હજારો ભક્તો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રેમાનંદ મહારાજની આ પદયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તાની બંને બાજુએ તેમના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે ઉભા રહેતા હતા.
આ પહેલીવાર નથી જ્યારે મહારાજશ્રીની પદયાત્રા રોકવામાં આવી હોય. આ પહેલા પણ સ્વાસ્થ્યના કારણોસર અને સ્થાનિક લોકોની ફરિયાદોને કારણે પદયાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી. આશ્રમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ પદયાત્રા ફરીથી શરૂ થશે ત્યારે તેની જાણકારી સત્તાવાર માધ્યમો દ્વારા આપવામાં આવશે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
