<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

તહેવારોમાં ટિકિટના ભાવ નિયંત્રિત કરવા માટે વધુ ફલાઈટ્‍સ દોડાવાશે

આસમાને પહોંચતા ‘એરફેર' પર લગામ : ઇન્‍ડિગો ૪૨ સેક્‍ટરોમાં લગભગ ૭૩૦ વધારાની ઉડાનો શરૂ કરશે, જ્‍યારે એર ઇન્‍ડિયા અને એર ઇન્‍ડિયા એક્‍સપ્રેસ સંયુક્‍ત રીતે ૨૦ સેક્‍ટરોમાં ૪૮૬ ઉડાનો ઉમેરશે. સ્‍પાઇસજેટ ૩૮ સેક્‍ટરોમાં ૫૪૬ વધારાની ઉડાનો સંચાલિત કરવાની યોજના ધરાવે છે

 

નવી દિલ્‍હી તા.૬: તહેવારોની મોસમ આવતા જ હવાઈ ટિકિટના ભાવ આસમાને પહોંચી જાતા હોઈ છે, પરંતુ આ વખતે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ બેકાબૂ ભાડા વધારા પર લગામ લગાવવા માટે કડક વલણ અપનાવ્‍યું છે. મંત્રાલયે ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને તહેવારો દરમિયાન ભાડાઓ પર નજર રાખવા અને જરૂરી પગલા લેવા સૂચના આપી છે. આ નિર્ણયથી મુસાફરોને આશા બંધાઈ છે કે આ વખતે તેઓ સસ્‍તી હવાઈ મુસાફરીનો લાભ લઈ શકશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે DGCAને તહેવારોની મોસમમાં હવાઈ ભાડાઓ પર નજર રાખવા અને બેકાબૂ વધારો થાય તો તેને નિયંત્રિત કરવા સૂચના આપી છે. DGCAએ એરલાઇન્‍સ સાથે ચર્ચા કરીને તેમને સલાહ આપી છે કે તહેવારો દરમિયાન મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા વધારાની ફલાઇટ્‍સ શરૂ કરે. આના જવાબમાં એરલાઇન્‍સે જણાવ્‍યું કે તેઓ તહેવારોની સિઝનમાં વધારાની ઉડાનો ઉમેરી રહી છે, જેથી ટિકિટની અછત અને ભાવ વધારાની સમસ્‍યા ન સર્જાય.

ભારતીય એરલાઇન્‍સે તહેવારોની મોસમમાં મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે મોટી સંખ્‍યામાં વધારાની ઉડાનો શરૂ કરવાનું આયોજન કર્યું છે. ઇન્‍ડિગો (IndiGo) ૪૨ સેક્‍ટરોમાં લગભગ ૭૩૦ વધારાની ઉડાનો શરૂ કરશે, જ્‍યારે એર ઇન્‍ડિયા (Air India) અને એર ઇન્‍ડિયા એક્‍સપ્રેસ (Air India Express) સંયુક્‍ત રીતે ૨૦ સેક્‍ટરોમાં ૪૮૬ ઉડાનો ઉમેરશે. સ્‍પાઇસજેટ (SpiceJet) ૩૮ સેક્‍ટરોમાં ૫૪૬ વધારાની ઉડાનો સંચાલિત કરવાની યોજના ધરાવે છે. કુલ મળીને, ભારતીય એરલાઇન્‍સ ૧,૭૦૦થી વધુ વધારાની ઉડાનો દ્વારા મુસાફરોની માંગને પૂરી કરવા તૈયાર છે.

આ નિર્ણય અને કડક કાર્યવાહીનું કરવાનું કારણ તાજેતરમાં સંસદની પબ્‍લિક અકાઉન્‍ટ કમિટી (PAC) દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવેલી નારાજગી છે. કમિટીએ તહેવારો અને રજાઓ દરમિયાન હવાઈ ભાડામાં થતા બેકાબૂ વધારા પર ચિંતા વ્‍યક્‍ત કરી હતી અને DGCAને ઘરેલુ ઉડાનોના ભાડાને નિયંત્રિત કરવા તેમજ વ્‍યસ્‍ત રૂટ પર વધુ ફલાઇટ્‍સ શરૂ કરવાની ભલામણ કરી હતી. આ ભલામણના પગલે મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

DGCAએ પબ્‍લિક અકાઉન્‍ટ કમિટીને જણાવ્‍યું હતું કે તે એક એવી સિસ્‍ટમ વિકસાવી રહ્યું છે, જે માંગના સમયે ભાડાને અનિયંત્રિત રીતે વધતા અટકાવશે. આ પગલાથી મુસાફરોને આશા છે કે આગામી તહેવારોની સિઝનમાં તેઓ વાજબી ભાવે હવાઈ મુસાફરી કરી શકશે. આ નિર્ણયથી ન માત્ર મુસાફરોને રાહત મળશે, પરંતુ એરલાઇન્‍સ ઉદ્યોગ પણ વધુ વ્‍યવસ્‍થિત રીતે કામ કરી શકશે.(૩૮.૭)

(9:50 AM IST)