<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

સુપ્રિમ કોર્ટમાં હોબાળોઃ વકીલે CJI પર ચંપલ ફેંકવાનો પ્રયાસ કર્યો

સનાતનનું અપમાન સહન નહી કરીએઃ વકીલે નારા લગાવ્‍યા : આરોપીની ધરપકડઃ ઘટના અચાનક સર્જાતા અફડાતફડી મચી

 

નવી દિલ્‍હી, તા.૬: સુપ્રીમ કોર્ટમાં અચાનક હોબાળો મચી ગયો. એક વકીલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ ગવઈ પર હુમલો કર્યો. અહેવાલો અનુસાર, વકીલે ભરચક કોર્ટરૂમમાં અમે સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરીએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને પછી CJI ગવઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો. જોકે, ફરજ પરના સુરક્ષા કર્મચારીઓએ સમયસર તેને અટકાવ્‍યો.

આરોપીની ઓળખ રાકેશ કિશોર તરીકે થઈ છે. સુપ્રીમ કોર્ટની પોલીસે તાત્‍કાલિક તેની અટકાયત કરી હતી અને હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. નવી દિલ્‍હી જિલ્લાના DCP અને સુપ્રીમ કોર્ટના DCP પણ ઘટનાસ્‍થળે હાજર છે.

આ ઘટના ત્‍યારે બની જ્‍યારે CJI ની આગેવાની હેઠળની બેન્‍ચ વકીલોના કેસોની સુનાવણી કરી રહી હતી. એવું કહેવાય છે કે વકીલ રાકેશ કિશોર ન્‍યાયાધીશના મંચ પર પહોંચ્‍યા અને પોતાનો જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ સમયસર તેમને અટકાવ્‍યા. જ્‍યારે આરોપી વકીલને બહાર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્‍યારે તેમણે અમે સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરીએના નારા લગાવવાનું ચાલુ રાખ્‍યું.

CJI ગવઈ સમગ્ર ઘટના દરમિયાન મૌન રહ્યા અને કોર્ટની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્‍યો. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ તેમના પર અસર કરતી નથી.

માનવામાં આવે છે કે આ ઘટના ૧૬ સપ્‍ટેમ્‍બરના રોજ CJI ગવઈની ટિપ્‍પણીથી ઉશ્‍કેરાઈ હતી, જ્‍યારે સુપ્રીમ કોર્ટે મધ્‍યપ્રદેશના ખજુરાહોમાં જવારી મંદિરમાં ભગવાન વિષ્‍ણુની સાત ફૂટ ઊંચી પ્રતિમાને ફરીથી સ્‍થાપિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. તે સમયે, કોર્ટે તેને જાહેર હિતની અરજી ગણાવી હતી. (રર.૨૦)

(2:49 PM IST)