ગુજરાત અને ઓરિસ્સામાં માં ટૂંક સમયમાં મંત્રીમંડળમાં ધરખમ ફેરફારની તૈયારી: દિવાળી બાદ અન્ય એક રાજ્યમાં મુખ્યમંત્રી પણ બદલાશે: ન્યુઝ ફર્સ્ટ
આવનારા દિવસોમાં ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યોમાં મોટા રાજકીય ફેરફારો જોવા મળી શકે છે

રાજકોટ: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી આવી રહેલા અહેવાલોએ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે.
ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ ટૂંક સમયમાં ગુજરાત અને ઓડિશામાં મંત્રીમંડળમાં મોટાપાયે વિસ્તરણ અને ફેરબદલ કરવાની તૈયારી કરી રહ્યું હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. એટલું જ નહીં, દિવાળીના તહેવારો બાદ ભાજપ શાસિત અન્ય એક રાજ્યમાં મુખ્યમંત્રી પદે પણ પરિવર્તન કરવામાં આવી શકે છે.
ભાજપના ઉચ્ચ સ્તરીય સૂત્રોને ટાંકીને રાષ્ટ્રીય મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો અનુસાર, પાર્ટી હાઇકમાન્ડ બંને રાજ્યોમાં શાસન અને સંગઠન વચ્ચે વધુ સારો તાલમેલ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી આ કવાયત હાથ ધરી શકે છે.
ગુજરાતમાં વર્તમાન મંત્રીઓના વિભાગોમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે ઢગલાબંધ નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવાની પણ શક્યતા છે. આ ફેરફારનો મુખ્ય હેતુ વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાનો અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો હોઈ શકે છે.
દિલ્હીમાં હલચલ તેજ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંગેની ચર્ચાઓ અંતિમ તબક્કામાં છે અને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે. જોકે, આ સમગ્ર મામલે ભાજપ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એક્સ (ટ્વિટર) સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.
ખાસ કરીને, દિવાળી પછી કયા રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થશે તે અંગે રાજકીય ગલિયારોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. પાર્ટીએ આ રાજ્યનું નામ હાલ ગુપ્ત રાખ્યું છે, પરંતુ આ નિર્ણયને આગામી ચૂંટણીઓ અને રાજકીય સમીકરણો સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
હાલમાં, આ અહેવાલો અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે, પરંતુ તે સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યોમાં મોટા રાજકીય ફેરફારો જોવા મળી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
