EV માર્કેટમાં 'બિલ્ડ યોર ડ્રીમ્સ' (BYD)નું તોફાન : ટેસ્લા કરતાં સસ્તી ચીની કાર કંપનીના યુકેમાં વેચાણમાં ૮૮૦%નો રેકોર્ડબ્રેક ઉછાળો : ટાટા મોટર્સ સહિત વૈશ્વિક કંપનીઓ ચિંતામાં
BYD માટે યુકે બન્યું ચીનની બહારનું સૌથી મોટું બજાર : વાર્ષિક વેચાણ ૩૫,૦૦૦ યુનિટને પાર : ₹૨૭ લાખથી શરૂ થતી ડોલ્ફિન EVએ સસ્તું વિકલ્પ આપી ગ્રાહકોને આકર્ષ્યા

નવી દિલ્હી : વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ના વેચાણમાં ચીનની કંપની BYD (બિલ્ડ યોર ડ્રીમ્સ) એ સનસનાટીભર્યું પ્રદર્શન કરીને EV બજારના દિગ્ગજો ટેસ્લા અને ભારતમાં ટાટા મોટર્સ માટે ગંભીર ચિંતા ઊભી કરી છે. પોસાય તેવા ભાવ અને વધતી માંગના કારણે BYD યુકેમાં સૌથી મોટું EV બજાર બની ગયું છે.
યુકેમાં ૮૮૦%ની જંગી વૃદ્ધિ:
ચાઇનીઝ ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક BYD એ સપ્ટેમ્બર ૨૦૨૫માં યુકેમાં ૧૧,૨૭૧ કારનું વેચાણ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ આંકડો પાછલા વર્ષના સમાન ગાળા કરતાં ૮૮૦% વધુ છે. આ જબરજસ્ત વૃદ્ધિને પગલે યુકે ચીનની બહાર BYD માટેનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય બજાર બની ગયું છે. કંપનીનું યુકેમાં કુલ વાર્ષિક વેચાણ ૩૫,૦૦૦ યુનિટને વટાવી ગયું છે.
ટેસ્લા કરતાં સસ્તો વિકલ્પ:
BYDની સફળતાનું મુખ્ય કારણ તેની પોષણક્ષમ કિંમતો છે.
* યુકેમાં BYDની ડોલ્ફિન EVની શરૂઆતની કિંમત આશરે £૨૬,૦૦૦ (લગભગ ₹૨૭ લાખ) છે, જે ગ્રાહકોના બજેટમાં બંધબેસે છે.
* તેની સરખામણીમાં, ટેસ્લાની લોકપ્રિય મોડેલ ૩ ની કિંમત આશરે £૪૦,૦૦૦ (લગભગ ₹૪૧ લાખ) છે.
આનાથી સ્પષ્ટ થાય છે કે BYD એવા ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યું છે જેઓ EV ખરીદવા માંગે છે પરંતુ ટેસ્લાની ઊંચી કિંમતો પરવડી શકતા નથી.
લોકપ્રિય મોડેલ્સ અને વિસ્તરણ:
કંપનીના બે મોડેલો—હાઇબ્રિડ SEAL U DM-i અને ઇલેક્ટ્રિક SEALION ૭ — બ્રિટિશ ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આ મોડેલોની વધતી માંગને કારણે ઘણા શોરૂમમાં વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યા છે.
યુરોપમાં લાંબા ગાળાના વિસ્તરણના ભાગરૂપે, BYD એ તાજેતરમાં યુકેમાં એક નવી બેટરી સેવા સુવિધા પણ ખોલી છે, જે મુખ્યત્વે ઇલેક્ટ્રિક બસોને સેવા પૂરી પાડે છે.
સરકારી નીતિ અને માર્કેટનું ચિત્ર:
જુલાઈમાં બ્રિટિશ સરકારે EV ગ્રાન્ટ સ્કીમ ફરી શરૂ કરી હતી, જેનાથી ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળી રહ્યું હતું. ભલે આ ગ્રાન્ટ ચીની EV પર લાગુ ન થતી હોય, તેમ છતાં સપ્ટેમ્બરમાં યુકેમાં ઇલેક્ટ્રિક કારનું કુલ વેચાણ ૨૯.૧% વધીને ૭૨,૭૭૯ યુનિટ થયું, જે બજારમાં EVની વધતી જતી સ્વીકૃતિ દર્શાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
