અમેરિકાને લાગશે ઝાટકો:140 વર્ષ જૂની દવાની કંપની આવશે ભારત:8800 કરોડનું કરશે રોકાણ
અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક એલી લિલીએ જાહેરાત કરી કે તે હૈદરાબાદમાં એક નવી ઉત્પાદન અને ગુણવત્તા સુવિધા સ્થાપિત કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 100% ટેરિફ બોમ્બની અસર ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર દેખાવા લાગી છે. અમેરિકન કંપનીઓ દેશ છોડીને વિદેશ જઈ રહી છે, આ પગલું ભારતને સીધો ફાયદો કરાવી શકે છે. હકીકતમાં, અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક એલી લિલીએ જાહેરાત કરી હતી કે તે ભારતમાં $1 બિલિયન (આશરે રૂ. 8,800 કરોડ)નું રોકાણ કરી રહી છે.
આ રોકાણ આગામી થોડા વર્ષોમાં નવા ઉત્પાદન એકમ અને ગુણવત્તા સુવિધા માટે કરવામાં આવશે. કંપનીનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર ટેરિફ બોમ્બ ફેંકવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, એલી લિલીનું ભારત આવવાનું પગલું "મેક ઇન ઇન્ડિયા" ઝુંબેશને મોટો વેગ આપી શકે છે.
એલી લિલીના મતે આ રોકાણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગને મજબૂત બનાવશે અને વિશ્વભરના દર્દીઓને સ્થૂળતા, ડાયાબિટીસ, અલ્ઝાઇમર, કેન્સર અને ઓટોઈમ્યૂન જેવી બીમારીઓની દવા પહોંચાડવામાં મદદ કરશે. આ રોકાણને ભારતના આરોગ્યસંભાળ ક્ષેત્ર માટે નવી વૈશ્વિક ઓળખ સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
એલી લિલી અમેરિકાની સૌથી મોટી પાંચ કંપનીઓમાંની એક છે અને ટોચની પાંચ સૌથી મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. તેનું માર્કેટ કેપ 795 બિલિયન ડોલર અથવા 70 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. 140 વર્ષ જૂની આ કંપની 18 દેશોમાં ઓફિસ ધરાવે છે અને લગભગ 125 દેશોમાં દવાઓ સપ્લાય કરે છે. કંપની પાસે આશરે 47,000 કર્મચારીઓનું કાર્યબળ છે.
એલી લિલીએ જણાવ્યું હતું કે ભારતમાં રોકાણ કરવાનો તેનો નિર્ણય દેશની કુશળ પ્રતિભા, મજબૂત માળખાગત સુવિધાઓ અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ સરકારી નીતિઓમાં તેના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. કંપનીનો હેતુ ભારતને તેના વૈશ્વિક આરોગ્યસંભાળ નેટવર્ક માટે એક મુખ્ય કેન્દ્ર બનાવવાનો છે.
આ દરમિયાન ઇન્વેસ્ટ ઇન્ડિયાના સીઇઓ નિવૃતિ રાયે જણાવ્યું હતું કે- એલી લિલીનું રોકાણ ભારતની ક્ષમતા અને નીતિગત સ્થિરતામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. આનાથી માત્ર આરોગ્યસંભાળને મજબૂતી જ નહીં મળે પરંતુ દેશમાં ઉત્પાદનને પણ વેગ મળશે.
કંપનીએ જાહેરાત કરી કે તે હૈદરાબાદમાં એક નવી ઉત્પાદન અને ગુણવત્તા સુવિધા સ્થાપિત કરશે. આ હબ સમગ્ર ભારતમાં એલી લિલીના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ નેટવર્કનું નિરીક્ષણ કરશે અને અદ્યતન તકનીકી સુવિધાઓ પૂરી પાડશે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યુ- એલી લિલીનું વિસ્તરણ દર્શાવે છે કે હૈદરાબાદ વૈશ્વિક આરોગ્યસંભાળ નવીનતાનું પાવરહાઉસ બની ગયું છે. કંપનીએ તાજેતરમાં અહીં એક નવીનતા સાઇટ શરૂ કરી છે અને હવે એક નવું ઉત્પાદન કેન્દ્ર પણ આવી રહ્યું છે.
કંપનીએ જણાવ્યું હતું કે તે એન્જિનિયરો, રસાયણશાસ્ત્રીઓ, વિશ્લેષણાત્મક વૈજ્ઞાનિકો, ગુણવત્તા નિયંત્રણ અને વ્યવસ્થાપન જેવા પદો માટે તાત્કાલિક ભરતી શરૂ કરશે. એલી લિલી ઇન્ટરનેશનલના પ્રમુખ પેટ્રિક જોહ્ન્સને જણાવ્યું હતું કે- આ રોકાણ ભારતને અમારા વૈશ્વિક નેટવર્કનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવશે. અમારું માનવું છે કે ભારત આરોગ્યસંભાળ ઉત્પાદન માટે એક નવું કેન્દ્ર બનશે.
ટ્રમ્પની નીતિઓ વચ્ચે અમેરિકન કંપનીઓ દ્વારા ભારતમાં વધતું રોકાણ સ્પષ્ટપણે દર્શાવે છે કે વિશ્વ હવે ભારતને 'ફાર્મા હબ' તરીકે જોઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
