<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

વર્ષ ૨૦૧૮થી વિદેશમાં ૮૦૦થી વધુ ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ ટોચ પર

અમેરિકા તથા વિદેશમાં ઈન્‍ડિયન, તેમાં પણ ખાસ કરીને ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સના મોતના આંકડા ઘણા ચિંતાજનક છે

વોશીંગ્‍ટન તા.૭: અમેરિકામાં ગયા શુક્રવારે ડલ્‍લાસમાં હૈદરાબાદના ૨૬ વર્ષીય સ્‍ટુડન્‍ટ પોલ ચંદ્રશેખરની એક ગેસ સ્‍ટેશન પર ગોળી મારીને હત્‍યા કરવામાં આવી છે. પોલ ચંદ્રશેખર માસ્‍ટર ડિગ્રી માટે ૨૦૨૩માં અમેરિકા ગયો હતો અને ગેસ સ્‍ટેશન પર પાર્ટ ટાઈમ જોબ કરતો હતો.

પોલીસનું માનવું છે કે લૂંટના ઈરાદે તેની હત્‍યા કરવામાં આવી છે. આ ઉપરાંત શુક્રવારે જ રોબિનસનમાં પિટ્‍સબર્ગ મોટેલ ચલાવતા ૫૧ વર્ષીય રાકેશ એહાગાબનની મોટલની બહાર જ માથામાં ગોળી મારીને હત્‍યા કરી દેવામાં આવી હતી. શૂટર સ્‍ટેનલી વેસ્‍ટ રાકેશની જ મોટેલમાં રોકાયો હતો.

અમેરિકા તથા વિદેશમાં ઈન્‍ડિયન, તેમાં પણ ખાસ કરીને ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સના મોતના આંકડા ઘણા ચિંતાજનક છે. વિદેશ મંત્રાલયના ડેટા પ્રમાણે ૨૦૧૮થી ૨૦૨૪ દરમિયાન વિદેશમાં ૮૪૨ ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સના મોત થયા છે. જેમાંથી ૯૬% મોત મેડિકલ ઈશ્‍યૂ, આત્‍મહત્‍યા, અકસ્‍માત અથા અન્‍ય નોન-વાયલન્‍ટ કારણોને લીધે થયા હતા. જ્‍યારે હિંસક હુમલામાં મોતને ભેટેલા ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સની સંખ્‍યા ૪% હતી.

જેમાં ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સના મોતના મામલે ૧૪૧ સાથે અમેરિકા ટોચના સ્‍થાને છે, અને તેમાં ૯ ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સ હિંસક હુમલાનો ભોગ બન્‍યા હતા. યુએઈમાં ૧૩૩ ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટના મોત થયા હતા. જ્‍યારે કેનેડામાં ૧૧૯ ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સ મોતને ભેટ્‍યા હતા જેમાંથી ૧૭ મોત હિંસક હુમલાને લીધે થયા હતા.

જાન્‍યુઆરી ૨૦૨૪ સુધીમાં ૧.૩૩ મિલિયનથી વધુ એટલે કે ૧૦ લાખથી વધુ ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સ વિદેશમાં અભ્‍યાસ કરી રહ્યા હતા. જોકે, વિદેશ અભ્‍યાસમાં મેન્‍ટલ હેલ્‍થ સાથેનો સંઘર્ષ, સલામતીની ચિંતા અને હેલ્‍થકેરમાં આવતા અવરોધો જેવા પડકારો રહેલા હોય છે.

આ ઉપરાંત ઘરથી હજારો કિલોમીટર દૂર રહેવાને લીધે એકલતા પણ અનુભવાતી હોય છે. તેમાં હવે ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સ માટેના ટોચની પસંદગીના દેશ એવા અમેરિકામાં ટ્રમ્‍પ સત્તામાં આવ્‍યા ત્‍યારથી ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સ ઉચાટમાં જીવી રહ્યા છે. ટ્રમ્‍પે ઈમિગ્રેશન પોલિસીસ ઘણી સખ્‍ત બનાવી દીધી છે જેને લીધે ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તેવામાં પોલ ચંદ્રશેખરની હત્‍યા બાદ સુરક્ષાના પણ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. ગત મહિને કેલિફોર્નિયામાં એક વિવાદાસ્‍પદ ઘટનામાં પોલીસે તેલંગાણાના મોહમ્‍મદ નિઝામુદ્દિન નામના ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટને શૂટ કરી દીધો હતો.

(9:45 AM IST)