<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

અમેરિકામાં શટડાઉનની અસરઃ નાસા બંધ થઇ ગયું, અર્ટેમિસ કાર્યક્રમ સિવાય અંતરિક્ષ સંશોધનની બધી યોજનાઓ ઠપ્‍પ

અમેરિકાની ફેડરલ સરકારનું ફંડિંગ બિલ પસાર નહીં થવાથી નાણાંકીય કટોકટી સર્જાઇ : અમેરિકન અવકાશ સંસ્‍થાએ ૧૫,૦૦૦ કર્મચારીઓને છૂટા કરી ફક્‍ત ૩,૧૦૦ કર્મચારી ફરજ બજાવે છેઃ નાસાની વેબસાઈટ પણ બંધ થઈ ગઈ

વોશિંગ્‍ટન/મુંબઈ,તા.૭, સમગ્ર વિશ્વના અંતરિક્ષ સંશોધન ક્ષેત્ર માટે આઘાતજનક સમાચાર છે. સમાચાર એ છે કે વિશ્વની સૌથી આધુનિક અને સૌથી સફળ ગણાતી અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્‍થા નાસા બંધ થઈ ગઈ છે.

અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્‍થા નેશનલ એરોનોટિક્‍સ એન્‍ડ સ્‍પેસ એડમિનિસ્‍ટ્રેશને (નાસા) તેની વેબસાઈટ પર આવી જાહેરાત કરી છે. આટલું ઓછું હોય તેમ નાસાએ તેના ૧૫,૦૦૦ કર્મચારીઓને નોટિસ, આપીને છૂટા કરી દીધા છે. સાથોસાથ નાસાની ફક્‍ત એકને બાદ કરતાં અંતરિક્ષ સંશોધનની તમામ યોજના ઠપ થઈ ગઈ છે. નાસાએ ફક્‍ત તેનો અર્ટેમિસ (બે) કાર્યક્રમ (૫૦ વર્ષ બાદ, ૨૦૨૬માં ચાર અવકાશયાત્રીઓ સાથે ચંદ્રની ધરતી પર ટ્ટ ફરીથી ઉતરવાનો કાર્યક્રમ) જારી રાખ્‍યો છે. અર્ટેમિસ કાર્યક્રમ ૧૦૦ અબજ અમેરિકન ડોલરનો છે. ૨૦૨૫ની ૧, ઓક્‍ટોબરે અમેરિકાની ફેડરલ સરકાર ફંડિંગ બિલ બહુમતીથી પાસ કરવામાં નિષ્‍ફળ ગઈ હોવાથી નાસા સહિત તમામ, સરકારી ઓફિસની રોજબરોજની કામગીરી અટકી ગઇ છે. એમ કહો કે ઠપ થઈ ગઈ છે. નાસાની વોશિંગ્‍ટન સહિતની આખા દેશમાં ફેલાયેલી ઓફિસ અને લેબોરેટરીમાંનું રોજબરોજની કામગીરી સહિત અંતરિક્ષ સંશોધન કાર્ય બંધ થઈ ગયાં છે. નાસામાં વિજ્ઞાનીઓ, એન્‍જિનિયરો,ટેકનિશિયનો સહિત વહીવટીતંત્રના કુલ ૧૮,૨૧૮ કર્મચારીઓ કાર્યરત છે. જોકે ફેડરલ સરકાર દ્વારા જરૂરી નાણાં ભંડોળ મળતું અચાનક જ બંધ થઈ ગયું હોવાથી નાસાએ ૧૫,૦૯૪ કર્મચારીઓને છૂટા કરી દીધા છે. હાલના તબક્કે ફક્‍ત ૩,૧૦૦ કર્મચારીઓને જ નોકરીમાં ચાલુ રખાયા છે. નાસાએ અગઉ ૨૦૧૮ -૨૦૧૯માં પણ આવી જ પડકારરૂપ પરિસ્‍થિતિનો સામનો કર્યો હતો.

 નાસાના હાલના એડમિનિસ્‍ટ્રેટર સીન ડફુફીએ અને તેના કાયદાકીય નિષ્‍ણાતોએ અમેરિકાની ફેડરલ સરકાર સમક્ષ ભારપૂર્વક એવી રજૂઆત કરી છે કે આપણો અર્ટેમિસ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સ્‍તરે બહુ જ મહત્‍વનો છે.

આપણા અવકાશયાત્રીઓ પાંચ દાયકા બાદ ફરીથી ચંદ્રની ધરતી પર ઉતરીને અત્‍યંત મહત્‍વનું સંશોધન કરવાના છે. વળી,ચીન પણ તેના અવકાશયાત્રીઓને ચંદ્રની ધરતી પર ઉતારવા તડામાર તૈયારી કરી રહ્યું છે.

આ સ્‍પર્ધામાં અમેરિકા જરાય પાછળ રહેવા ઈચ્‍છતું નથી. અમે મેન મૂનમિશનમાં ચીનને જીતવા દેવા નથી ઇચ્‍છતા. કારણ કે ચીનનો ચંદ્ર પર જવાનો ઈરાદો હરગીજ સારો કે સલામત નથી.

(10:21 AM IST)