<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

બિહારમાં NDAનું પલ્‍લું ભારેઃ મહાગઠબંધનને મોટો આંચકો

વિધાનસભાની ચૂંટણી પહેલાં સર્વે : એનડીએને ૪૯ ટકા, મહાગઠબંધનને ૩૬ ટકા અને અન્‍યને ૧૫ ટકા મત મળવાની શક્‍યતા

પટના,તા.૦૭: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. આ અંગે  MATRIZE-IANS એક મત સર્વે કર્યો છે. આ સર્વે મુજબ બિહારમાં NDAનું પલ્‍લું ભારે જણાઈ રહ્યું છે. લોકો CM નીતીશકુમારનાં કાર્યો પર મહોર લગાવતા દેખાઈ રહ્યા છે.

ઓપિનિયન પોલ મુજબ બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માં NDAને ૧૫૦થી ૧૬૦ બેઠકો મળવાની શક્‍યતા છે. જ્‍યારે મહાગઠબંધનને ૭૦થી ૮૦ બેઠકો અને અન્‍યને નવથી ૧૨ બેઠકો મળી શકે છે. આ સર્વે મુજબ એનડીએને ૪૯ ટકા, મહાગઠબંધનને ૩૬ ટકા અને અન્‍યને ૧૫ ટકા મત મળવાની શક્‍યતા છે.

NDAમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બને એવી શક્‍યતા છે. આ સર્વે અનુસાર ભાજપને ૮૦થી ૮૫ બેઠકો, JDU ૬૦થી ૬૫ બેઠકો, હમ (HAM)ને ૩થી ૬ બેઠકો, LJPને (રામ વિલાસ પાસવાન ગ્રુપ) ૪થી ૬ બેઠકો અને આરએલએમને એકથી ૨ બેઠકો મળી શકે છે. મહાગઠબંધનમાં RJDને ૬૦થી ૬૫ બેઠકો, કોંગ્રેસને સાતથી ૧૦ બેઠકો, CPI-MLને ૬થી ૯ બેઠકો, CPI એક બેઠક, CPIM એક બેઠક અને VIPને બેથી ૪ બેઠકો મળવાનો અંદાજ છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્‍લી તારીખ ૧૭ ઓક્‍ટોબર રહેશે, ૧૮ ઓક્‍ટોબરે ચકાસણી થશે અને ૨૦ ઓક્‍ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. બીજા તબક્કાની જાહેરાત ૧૩ ઓક્‍ટોબરે કરવામાં આવશે, ઉમેદવારીપત્રો ભરવાની છેલ્‍લી તારીખ ૨૦ ઓક્‍ટોબર રહેશે, ૨૧ ઓક્‍ટોબરે ચકાસણી થશે અને ૨૩ ઓક્‍ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે MATRIZE-IANS દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવ્‍યો છે. આ સર્વે બિહારના લોકો સાથેની ચર્ચા પર આધારિત છે. બિહારની તમામ ૨૪૩ બેઠકો પર કુલ ૪૬,૮૬૨ લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ સર્વે ૧૮ સપ્‍ટેમ્‍બરથી ૫ ઓક્‍ટોબર વચ્‍ચે કરવામાં આવ્‍યો હતો.

(10:32 AM IST)