News of Tuesday, 7th October 2025
વર્ષ 2026માં સોનાનો ભાવ કેટલો ? :ગોલ્ડમેન સૅક્સની મોટી ભવિષ્યવાણી: રોકાણકારોને થઇ જશે ચાંદી ચાંદી
તહેવારોની સીઝન પહેલા જ સોનાના ભાવમાં ઉછાળો : આવતા વર્ષે પણ સોનાની કિંમતમાં વધારો થશે કે કેમ ? જબરી ઉતેજના વચ્ચે જાણો શું હશે સોનાના ભાવ

નવી દિલ્હી :તહેવારોની સીઝન પહેલા જ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વધુમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે, આવતા વર્ષે પણ સોનાની કિંમતમાં વધારો થશે.
સોનાની ગતિ ધીમી પડશે, તેવા કોઈ સંકેત હાલમાં દેખાઈ રહ્યા નથી. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 51%નો વધારો થયો છે અને તે દરરોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. મંગળવાર, 7 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડે $3,977.19 પ્રતિ ઔંસનો નવો રેકોર્ડ બનાવ્યો.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ઉપર તે 1,20,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પણ પહોંચ્યો. સોનાના ભાવમાં આ ઉપર તરફનો ટ્રેન્ડ ચાલુ રહેશે. ગોલ્ડમેન સૅક્સે આ સંદર્ભમાં એક બોલ્ડ આગાહી કરી છે.
ગોલ્ડમેન સૅક્સના મતે, ભવિષ્યમાં સોનું ઘણા રેકોર્ડ તોડશે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સ કહે છે કે, સોનાના ભાવમાં આ ઉપર તરફનો ટ્રેન્ડ ચાલુ રહેશે. કંપનીનો અંદાજ છે કે, ડિસેમ્બર 2026 સુધીમાં સોનું પ્રતિ ઔંસ $4,900 સુધી પહોંચી શકે છે, જે વર્તમાન લેવલથી આશરે 23% વધુનો વધારો દર્શાવે છે.
આનો અર્થ એ થયો કે, ભારતીય રૂપિયામાં ડિસેમ્બર 2026માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,54,000 સુધી પહોંચી શકે છે. ગોલ્ડમેન સૅક્સના એનાલિસ્ટ કહે છે કે, યુએસ વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષાઓ સોનાને ટેકો આપી રહી છે. એવો અંદાજ છે કે, ફેડરલ રિઝર્વ વર્ષ 2026ના મધ્ય સુધીમાં દરોમાં કુલ 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરશે. આનાથી ETFમાં રોકાણ વધુ વધી શકે છે.
CME ફેડવોચ ટૂલ અનુસાર, બજારમાં ઓક્ટોબર અને ડિસેમ્બરમાં ફેડ દ્વારા અનુક્રમે 25 બેસિસ પોઈન્ટ રેટમાં ઘટાડો થવાની શક્યતા 93% અને 82% છે.
સેંટ્રલ બેંકો દ્વારા ભારે ખરીદી, ETF માં રોકાણ વધવું, યુએસ ડોલર નબળો અને વધતા જિયો-પોલિટિકલ તણાવ વચ્ચે રીટેલ રોકાણકારોનું સુરક્ષિત રોકાણ તરફ વળવું એ સોનાની માંગને વેગ આપે છે
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ગોલ્ડમેન સૅક્સે જણાવ્યું હતું કે, સેંટ્રલ બેંકો તેમના વિદેશી વિનિમય ભંડાર (Foreign Exchange Reserves) માં સોનાનો હિસ્સો સતત વધારી રહી છે. આ ખરીદી વર્ષ 2025 માં સરેરાશ 80 મેટ્રિક ટન થવાનો અંદાજ છે, જ્યારે વર્ષ 2026 માં તે 70 ટન સુધી પહોંચી શકે છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
