<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

યુક્રેને હાઈમાર્સ રોકેટ વડે રશિયાના બેલ્ગોરોડમાં ઊર્જા સુવિધાઓને ફરી નિશાન બનાવી: મોટા વિસ્તારમાં અંધારપટ, વ્યાપક નુકસાનના અહેવાલ: ઠેર ઠેર યુદ્ધના ધોરણે જનરેટર લગાડવાનું શરૂ

લાખો–હજારો લોકોને વીજળી વિના રહેવું પડ્યું: આ હુમલાઓ રશિયા દ્વારા યુક્રેનના શહેરો પર કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો બદલો લેવા માટે થઈ રહ્યા છે

યુક્રેને પશ્ચિમી રશિયામાં આવેલ બેલ્ગોરોડ ઓબ્લાસ્ટ માં ઊર્જા માળખાને લક્ષ્ય બનાવવાની પોતાની તાજેતરની કાર્યવાહી ચાલુ રાખી છે. ઓવરનાઈટ હુમલામાં બેલ્ગોરોડના પાવર સ્ટેશનો અને ઊર્જા વિતરણ સ્થળોને એમ ૧૪૨ હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ (હાઈમાર્સ) માંથી છોડવામાં આવેલા ચોક્કસ રોકેટ અને મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓથી બેલ્ગોરોડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજળીનો અંધારપટ વ્યાપી ગયો છે.

સ્થાનિક સત્તાવાળાઓના અહેવાલ મુજબ, આ હુમલામાં ઊર્જા માળખાને "નોંધપાત્ર" નુકસાન થયું છે, જેના કારણે ૪૦,૦૦૦ થી વધુ અને અમુક અહેવાલો મુજબ ૫,૦૦,૦૦૦ થી વધુ લોકોને વીજળી વિના રહેવું પડ્યું છે. 

આ હુમલાઓ રશિયા દ્વારા યુક્રેનના શહેરો પર કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓની વધતી જતી શ્રેણીનો બદલો લેવા માટે હોવાનું માનવામાં આવે છે.

બેલ્ગોરોડ ઓબ્લાસ્ટના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લેડકોવ એ ઊર્જા માળખા પરના આ હુમલાની પુષ્ટિ કરી છે.

બેલ્ગોરોડમાં વ્યાપક બ્લેકઆઉટ ફેલાતા, રશિયાના કટોકટી પરિસ્થિતિ મંત્રાલયે શહેરના જુદા જુદા સ્થળોએ જનરેટર તૈનાત કરવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ્સ મુજબ, બેલ્ગોરોડના થર્મલ પાવર પ્લાન્ટને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો, જ્યાં એક હુમલામાં બે કર્મચારીઓના મોત પણ થયા હોવાના અહેવાલો છે. 

આ ઉપરાંત, હૉસ્પિટલોને પણ બેકઅપ પાવર પર શિફ્ટ કરવી પડી હતી. યુક્રેન દ્વારા રશિયાના ઊર્જા અને તેલ માળખા પર કરવામાં આવેલા આ હુમલાઓ, યુદ્ધમાં રશિયાની લોજિસ્ટિક્સ અને આવકના સ્ત્રોતને નબળા પાડવાના યુક્રેનના વ્યાપક અભિયાનનો એક ભાગ છે.

(11:15 PM IST)