<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ટ્રમ્પને મોટો ઝટકો! બગ્રામ એરબેઝ પરત કરવાની માંગ ભારત-પાકિસ્તાન સહિત '10 દેશો'ના ગઠબંધને ફગાવી!

ભાગીદારોએ અફઘાનિસ્તાન અથવા તેના પડોશી દેશોમાં લશ્કરી માળખાગત સુવિધાઓ તૈનાત કરવાના કોઈપણ દેશ દ્વારા કરવામાં આવેલા કોઈપણ પ્રયાસોને અસ્વીકાર્ય ગણાવીને કરી નિંદા

નવી દિલ્હી: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અફઘાનિસ્તાનના વ્યૂહાત્મક બગ્રામ એરબેઝને પરત કરવાની માંગને ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારી છે. આને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટો વળાંક માનવામાં આવે છે, કારણ કે ભારતે આ મામલે પાકિસ્તાન, ચીન, રશિયા અને ખુદ તાલિબાન સાથે મળીને ટ્રમ્પની યોજનાને નિષ્ફળ બનાવવા માટે એક મંચ પરથી વિરોધ કર્યો છે.

10 દેશોની 'શક્તિ' દ્વારા અમેરિકન પગલાને નિષ્ફળ
મોસ્કોમાં યોજાયેલી "મોસ્કો ફોર્મેટ કન્સલ્ટેશન ઓન અફઘાનિસ્તાન" ની સાતમી બેઠકમાં ભારત સહિત કુલ દસ દેશો (ભારત, ઈરાન, કઝાકિસ્તાન, ચીન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાન + બેલારુસ) એ ભાગ લીધો હતો. બેઠક પછી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં ટ્રમ્પની માંગ પર સીધો પ્રહાર કરવામાં આવ્યો.

કોઈપણ દેશનું નામ લીધા વિના, નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે: "ભાગીદારોએ અફઘાનિસ્તાન અથવા તેના પડોશી દેશોમાં લશ્કરી માળખાગત સુવિધાઓ તૈનાત કરવાના કોઈપણ દેશ દ્વારા કરવામાં આવેલા કોઈપણ પ્રયાસોને અસ્વીકાર્ય ગણાવીને નિંદા કરી, કારણ કે તે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે હાનિકારક છે."

આ સંયુક્ત વિરોધ ટ્રમ્પની તે ધમકીનો સીધો જવાબ છે, જેમાં તેમણે બગ્રામ બેઝ પરત ન કરવા પર અફઘાનિસ્તાનને *"ભયંકર પરિણામો"*ની ચેતવણી આપી હતી.

મુત્તાકીની ઐતિહાસિક ભારત મુલાકાત
ભારતનું આ વલણ એવા સમયે આવ્યું છે જ્યારે તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી આ અઠવાડિયે ભારતની ઐતિહાસિક મુલાકાતે આવવાના છે. UNSC પ્રતિબંધોની યાદીમાં હોવા છતાં, તેમને 9 થી 16 ઑક્ટોબર સુધી ખાસ મુલાકાતની મંજૂરી મળી છે, જે ભારતીય વિદેશ નીતિમાં એક મોટો ફેરફાર સૂચવે છે.

ટ્રમ્પની માંગ અને તાલિબાનનો ઈન્કાર
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં માંગ કરી હતી કે અફઘાનિસ્તાન બગ્રામ એરબેઝ અમેરિકાને મફતમાં પરત કરે. આના જવાબમાં તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે માંગણીને ફગાવી દેતા કહ્યંે હતું કે, "અફઘાન ક્યારેય તેમની જમીન બીજા કોઈને નહીં આપે. અમે આગામી 20 વર્ષ સુધી યુદ્ધ લડવા માટે તૈયાર છીએ."

કાબુલથી 50 કિમી દૂર આવેલું બગ્રામ, અફઘાનિસ્તાનનું સૌથી મોટું અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એરબેઝ છે, જેને અમેરિકા કોઈપણ ભોગે પાછું મેળવવા માંગે છે, પરંતુ હવે ભારત સહિત 10 દેશોના ગઠબંધને તેના રસ્તામાં મોટો અવરોધ ઉભો કર્યો છે.

 

(5:48 PM IST)