News of Friday, 10th October 2025
અયોધ્યામાં એક મકાનમાં જોરદાર વિસ્ફોટઃ ૫ લોકોના મોત
શરુઆતી તપાસમાં સિલિન્ડર બ્લાસ્ટની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

અયોધ્યા,તા.૧૦: અયોધ્યામાં મોટી દુર્ઘટના થઈ ગઈ છે. કલંદર વિસ્તારના પગલા ભારી ગામમાં એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં આખું મકાન તૂટી ગયું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયા છે અને અન્ય કેટલાય ઘાયલ થયા છે.
ઘટના સ્થળેથી મળેલી જાણકારી અનુસાર, આ ધમાકો ફટાકડા વિસ્ફોટથી થયો હોય તેવું કહેવાય છે. પણ શરુઆતી તપાસમાં સિલિન્ડર બ્લાસ્ટની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે સતત બચાવ કાર્ય કરી રહી છે. ઘટનાસ્થળેથી ફાટેલું કુકર અને સિલિન્ડર જપ્ત થયા છે. પોલીસ આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.
હાલમાં ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. એવું કહેવાય છે કે ગેસ લીક થવાના કારણે આ દુર્ઘટના થઈ છે. અયોધ્યાના સીઓ દેવેશ ચતુર્વેદીએ જણાવ્યું કે, શરુઆતી તપાસમાં આ સ્પષ્ટ થયું છે કે ઘરમાં ઘરેલૂ ગેસ સિલિન્ડર ફાટવાથી આ દુર્ઘટના થઈ છે. અત્યાર સુધીમાં કુલ ૫ લોકોના મોત થઈ ચૂક્યા છે.
તો વળી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ધમાકો એટલો તેજ હતો કે આજુબાજુના ઘરો અને દુકાનોને પણ નુકસાન થયું છે. રેસ્ક્યૂ ટીમ કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવામાં લાગેલી છે. પ્રશાસને દુર્ઘટનાના કારણોની તપાસ શરુ કરી દીધી છે. ઘટનાના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ છે. સુરક્ષા અને બચાવને જોતા પોલીસ અને પ્રશાસન સતર્ક છે અને કાટમાળમાંથી લોકોને સુરક્ષિત કાઢવાના પ્રયાસો ચાલુ છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
