હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૮ વર્ષના ગુજરાતી એમ્પલોઈ પર વોલમાર્ટમાંથી ૧૭૦૦ ડોલરની ચોરી કરવાનો આરોપ
થેફટ બાય અનલોફુલ ટેકિંગનો ચાર્જ લગાવાયો, ગુનો સાબિત થાય તો પાંચ વર્ષ સુધી જેલ થઈ શકે છે

ન્યુયોર્ક તા.૧૦: પેન્સિલવેનિયાના વોર્નિગ્ટનમાં આવેલા વોલમાર્ટમાં કામ કરતા એક ગુજરાતી યુવકની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વોર્નિગ્ટન ટાઉનશિપ પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ઈસ્ટન રોડ પર આવેલા વોલમાર્ટમાં કામ કરતા રૂદ્ર પટેલ પર કુલ ૧૭૦૦ ડોલર જેટલી રકમ ચોરવાનો આરોપ છે, આરોપીની ઉંમર માત્ર ૧૮ વર્ષ છે. ઓક્ટોબર ૦૪ના રોજ ૯૧૧ પર ફોન આવ્યા બાદ પોલીસ આ કેસની તપાસ કરવા માટે વોલમાર્ટ પહોંચી હતી.
રૂદ્ર પટેલે રજિસ્ટરમાંથી કેશ કાઢી લીધી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે જેમાં જે દિવસે તેની ધરપકડ કરાઈ તે જ દિવસે તેણે ૭૫૦ ડોલરની કથિત ચોરી કરી હતી જ્યારે તે પહેલા તેણે અમુક દિવસોના ગાળામાં ટૂકડે-ટૂકડે ૯૬૦ ડોલર ચોર્યા હતા. રૂદ્ર પટેલની ધરપકડ કર્યા બાદ તેને વોર્નિગ્ટન ટાઉનશિપ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને જેલમાં મોકલાયો હતો અને ત્યારબાદ કોર્ટમાં હાજર રહેવાની શરતે તેને જેલમાંથી છોડી દેવાયો હતો. પેન્સિલવેનિયાના કાયદા અનુસાર રૂદ્ર પટેલ પર થેફટ બાય અનલોફુલ ટેકિગનો ચાર્જ લગાવાયો છે, મતલબ કે આ ગુજરાતીએ કોઈની પરમિશન લીધા વિના તેની પ્રોપર્ટી લીધી હોવાનો ગુનો તેના પર દાખલ કરવામાં આવ્યો છે.
પેન્સિલવેનિયામાં જો કોઈ એમ્પ્લોઈ કેશ રજિસ્ટરમાંથી પૈસા કાઢતો પકડાય તો તેની સામે આ જ ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. ચોરી કરાયેલી રકમનો આંકડો જો બે હજાર ડોલરથી વધુ હોય તો આરોપી સામે ફેલોની ચાર્જ દાખલ કરવામાં આવે છે જ્યારે નાની રકમ માટે મિસડિમિનસ ચાર્જનો સામનો કરવાનો રહે છે. આવા કેસમાં દંડ, પ્રોબેશન, રેસ્ટિટ્યૂશન તેમજ જેલમાં જવાની સજા પણ મળી શકે છે અને જો કોઈ રીઢો ગુનેગાર હોય તો તેને જેલમાં મોકલવાની સાથે જેટલી ચોરી થઈ હોય તે રકમની ભરપાઈ માટે પણ ફરજ પાડવામાં આવે છે.
રૂદ્ર પટેલ હાલ કયા સ્ટેટસ પર અમેરિકામાં રહે છે તે અંગે જાસ્ટિસ ડિપાર્ટમેન્ટે દ્વારા કોઈ માહિતી નથી અપાઈ, જોકે તેના પર લગાવાયેલો ચાર્જ પેન્સિલવેનિયામાં ફર્સ્ટ ડિગ્રી મિસડિમિનર છે જેમાં તેને પાંચ વર્ષ સુધીની જેલ, દસ હજાર ડોલર જેટલો દંડ થવા ઉપરાંત જેટલી રકમની ચોરી કરી છે તે પાછી આપવા માટે પણ આદેશ કરી શકાય છે. એટલું જ નહીં, જો આ વ્યક્તિ અમેરિકામાં ઈલીગલી કે પછી સ્ટૂડન્ટ વિઝા જેવા સ્ટેટસ પર હશે તો તેને પોતાની હોમ કન્ટ્રીમાં પાછો પણ મોકલી શકાય તેમ છે અને ત્યારબાદ તેને અમેરિકા આવવા માટે જ નહીં મળે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
