<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

પાકિસ્‍તાને અફઘાનિસ્‍તાન પર એર સ્‍ટ્રાઈક કરીઃ કાબુલમાં બોમ્‍બ મારો

ઘટના એવા સમયે બની જ્‍યારે અફઘાનના મંત્રી ભારતની મુલાકાતે છેઃ ટીટીપી ચીફ નૂર વલી મહસુદના ઠેકાણા પર હૂમલો

ઈસ્‍લામાબાદ, તા.૧૦: પાકિસ્‍તાને અફઘાનિસ્‍તાનમાં એર સ્‍ટ્રાઈક કરી. પાકિસ્‍તાની સેનાએ અફઘાનિસ્‍તાન પર બોમ્‍બમારો અને ગોળીબાર કર્યો હતો. હવાઈ હુમલા બાદ કાબુલમાં અનેક સ્‍થળોએ વિસ્‍ફોટો સંભળાયા હતા. અન્‍ય અનેક સ્‍થળોએ પણ બોમ્‍બમારા થયા હોવાના અહેવાલ છે. જોકે તાલિબાન દાવો કરે છે કે પરિસ્‍થિતિ નિયંત્રણમાં છે, પાકિસ્‍તાનનો હુમલો એવા સમયે થયો છે જ્‍યારે અફઘાનિસ્‍તાનના વિદેશ પ્રધાન મુત્તાકી ભારત અને અફઘાનિસ્‍તાન વચ્‍ચેના સંબંધો સુધારવા માટે ભારતની મુલાકાતે છે. જોકે, અફઘાનિસ્‍તાનની પહેલથી પાકિસ્‍તાન ગુસ્‍સે ભરાયું છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અફઘાનિસ્‍તાનની રાજધાની કાબુલમાં જેટ અને વિસ્‍ફોટો જોવા મળી રહ્યા છે. ગોળીબારના અવાજ સાથે ધુમાડાના ગોટેગોટા પણ જોઈ શકાય છે. સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર, કાબુલમાં અબ્‍દુલ હક સ્‍ક્‍વેર નજીક વિસ્‍ફોટ થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, આ હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્‍તાન ના વડા મુફ્‌તી નૂર વલી મહસુદના છુપાયેલા સ્‍થળને નિશાન બનાવવામાં આવ્‍યું હતું, જે હુમલામાં માર્યા ગયા હતા. નૂર વલી ઉપરાંત, કમાન્‍ડર કારી સૈફુલ્લાહ મહસુદ અને ખાલિદ મહસુદ પણ હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.

વિસ્‍ફોટોના કલાકો પહેલા, પાકિસ્‍તાનના સંરક્ષણ પ્રધાન ખ્‍વાજા આસિફે અફઘાનિસ્‍તાનની ધરતી પરથી ફેલાતા આતંકવાદ અંગે રાષ્‍ટ્રીય સભામાં કડક નિવેદન આપ્‍યું હતું. આસિફે કહ્યું હતું કે, બસ, હવે બહુ થયું. પાકિસ્‍તાનની ધીરજ ખૂટી ગઈ છે... આતંકવાદીઓને આશ્રય આપનારાઓએ જવાબ આપવો પડશે. તેમણે ઉમેર્યું હતું કે થોડા વર્ષો પહેલા ISIના ડિરેક્‍ટર જનરલ સાથે અફઘાનિસ્‍તાનની મુલાકાત દરમિયાન, પાકિસ્‍તાને ચેતવણી આપી હતી કે પાકિસ્‍તાન પર અફઘાન ધરતી પરથી હુમલા થઈ રહ્યા છે. આસિફે દાવો કર્યો હતો કે તે સમયે, અફઘાન પ્રતિનિધિઓએ ૧૦ અબજ રૂપિયાના બદલામાં આતંકવાદી ઠેકાણાઓ દૂર કરવાની ઓફર કરી હતી, પરંતુ ગેરંટીના અભાવે પાકિસ્‍તાને આ ઓફર ફગાવી દીધી હતી. ખ્‍વાજા આસિફે પુનરોચ્‍ચાર કર્યો હતો કે અફઘાનિસ્‍તાનમાંથી ફેલાતો આતંકવાદ હવે અસહ્ય છે.

અફઘાનિસ્‍તાનની વચગાળાની તાલિબાન સરકારના પ્રવક્‍તા ઝબીહુલ્લાહ મુજાહિદના જણાવ્‍યા અનુસાર, હવાઈ હુમલામાં અનેક ઘરો નાશ પામ્‍યા અને લોકો ઘાયલ થયા. જોકે પરિસ્‍થિતિ હવે નિયંત્રણમાં છે, તેઓ હવાઈ હુમલાની તપાસ કરશે. પાકિસ્‍તાની મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્‍યો છે કે હુમલો ટીટીપી વિરુદ્ધ કરવામાં આવ્‍યો હતો. બોમ્‍બ વિસ્‍ફોટમાં ટીટીપીના વડા અને કમાન્‍ડરોને નિશાન બનાવવામાં આવ્‍યા હતા. મુજાહિદે કાબુલમાં થયેલા વિસ્‍ફોટો અંગે પોતાના એક્‍સ હેન્‍ડલ પર ટ્‍વિટ કર્યું હતું અને દેશવાસીઓને ખાતરી આપી હતી કે બધું બરાબર છે. ગભરાશો નહીં, સેના કોઈપણ હુમલાનો સામનો કરવા માટે તૈયાર છે.

અફઘાનિસ્‍તાનના કાર્યકારી વિદેશ પ્રધાન, અમીર ખાન મુત્તાકી, ભારતની સાત દિવસની મુલાકાતે છે. તેઓ ૯ ઓક્‍ટોબરે પહોંચ્‍યા હતા અને ૧૬ ઓક્‍ટોબર સુધી ત્‍યાં રહેશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા રણધીર જયસ્‍વાલે જણાવ્‍યું હતું કે અફઘાન વિદેશ પ્રધાનની ભારત મુલાકાતનો હેતુ બંને દેશો વચ્‍ચેના સંબંધોને મજબૂત બનાવવાનો છે. મુત્તાકી તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, અને અનેક કરારો પર હસ્‍તાક્ષર થવાની અપેક્ષા છે. 

(11:45 AM IST)