<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

CJI પર જૂતા ફેંકનાર વકીલની ચિઠ્ઠીમાં શું હતું? પોલીસે કહ્યું: 'સનાતનીઓ માટે સંદેશ, અપમાન સહન નહીં કરાય'

કિશોર પાસેથી મળેલી આ ચિઠ્ઠીમાં લખ્યું હતું: "મારો સંદેશ દરેક સનાતની માટે છે... હિન્દુસ્તાન સનાતન ધર્મનું કોઈપણ અપમાન સહન કરશે નહીં.": CJI ની કથિત ટિપ્પણીથી હતો નારાજ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં CJI બીઆર ગવઈ પર જૂતા ફેંકવાની સનસનાટીભરી ઘટના બાદ દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે. આ ઘટનાને અંજામ આપનાર વકીલ રાકેશ કિશોરની પૂછપરછ દરમિયાન પોલીસને એક મહત્ત્વની નોંધ મળી છે, જેમાં તેણે આ કૃત્ય પાછળના પોતાના ઉદ્દેશો સ્પષ્ટ કર્યા છે.

અહેવાલ મુજબ, પોલીસે કિશોર પાસેથી મળેલી આ ચિઠ્ઠીમાં લખ્યું હતું:
"મારો સંદેશ દરેક સનાતની માટે છે... હિન્દુસ્તાન સનાતન ધર્મનું કોઈપણ અપમાન સહન કરશે નહીં."
 
CJI ની કથિત ટિપ્પણીથી હતો નારાજ
વકીલ રાકેશ કિશોરે પૂછપરછ દરમિયાન દાવો કર્યો કે તે CJI બીઆર ગવઈ દ્વારા મધ્યપ્રદેશના ખજુરાહો મંદિરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા અંગે કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓથી નારાજ હતો.

કિશોરે કહ્યું કે, આ વિવાદ ૧૬ સપ્ટેમ્બરના રોજ શરૂ થયો જ્યારે એક વ્યક્તિએ CJIની કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી. આ અરજી પર ટિપ્પણી કરતા CJIએ કથિત રીતે કહ્યું હતું:
"તમારે મૂર્તિને પ્રાર્થના કરવી જોઈએ, મૂર્તિને તેનું માથું ફરીથી બનાવવા માટે કહો."

કિશોરનો આક્ષેપ હતો કે, "જો તમે તે માણસને રાહત આપવા માંગતા ન હતા, તો ના કરો, પણ તેની મજાક પણ ન કરો." કિશોરે કહ્યું કે CJIના આ વલણ અને તે વ્યક્તિની અરજી ફગાવી દેવાથી તે ખૂબ દુઃખી થયો હતો, જેના પગલે તેણે આ આત્યંતિક પગલું ભર્યું.

સુપ્રીમ કોર્ટમાં સુરક્ષા કડક, સભ્યપદ રદ્દ
આ ઘટના બાદ દિલ્હી પોલીસે CJIની કોર્ટ નંબર ૧ની સુરક્ષા વધારી દીધી છે અને બે વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કર્યા છે. સુરક્ષા અધિકારીઓને જૂતા ફેંકવા અને શાહી ફેંકવા જેવી ઘટનાઓ અંગે સતર્ક રહેવા માટે આંતરિક આદેશ પણ જારી કરાયો છે.

દરમિયાન, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) એ તાત્કાલિક અસરથી વકીલ રાકેશ કિશોરનું સભ્યપદ રદ્દ કરી દીધું છે અને તેના સુપ્રીમ કોર્ટ પરિસરમાં પ્રવેશ સામે ઠરાવ પણ પસાર કર્યો છે. જોકે, દિલ્હી પોલીસે કિશોરને પરિસરમાં પૂછપરછ કર્યા પછી છોડી દીધો હતો.

 

(7:18 PM IST)