<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુધ્ધમાં બંને બાજુ શસ્ત્રો મ્યાન કરાયા : ઇઝરાયલી સૈનિકોએ પીછેહઠ શરૂ કરી

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 20-મુદ્દાના પ્રસ્તાવ પર આધારિત યુદ્ધવિરામ કરાર ગાઝામાં અમલમાં આવ્યો હોવાની જાહેરાત

ગાઝામાં યુદ્ધવિરામ કરાર અમલમાં આવતાની સાથે જ બે વર્ષ લાંબા યુદ્ધનો શુક્રવારે બપોરે અંત આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 20-મુદ્દાના પ્રસ્તાવ પર આધારિત યુદ્ધવિરામ કરાર ગાઝામાં સ્થાનિક સમય મુજબ બપોરથી અમલમાં આવ્યો હોવાની જાહેરાત થઈ હતી, આમ આ સાથે જ ઇઝરાયલી સૈનિકોએ તેમની પીછેહઠ શરૂ કરી દીધી છે.
બે વર્ષ લાંબા ચાલેલા ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં હાલ પૂરતા તો બંને બાજુ  શસ્ત્રો મ્યાન કરાયા છે. આ સાથે ગાઝામાં બે વર્ષ લાંબા યુદ્ધનો શુક્રવારે બપોરે અંત આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 20-મુદ્દાના પ્રસ્તાવ પર આધારિત યુદ્ધવિરામ કરાર ગાઝામાં સ્થાનિક સમય મુજબ બપોરથી અમલમાં આવ્યો હોવાની ઇઝરાયલી સૈન્યએ આ જાહેરાત કરી હતી. IDF એ જણાવ્યું હતું કે હમાસ સાથે યુદ્ધવિરામ કરાર સ્થાનિક સમય મુજબ બપોરથી શરૂ થયો હતો અને સૈનિકો સંમત સ્થાનો પર પાછા ફરી રહ્યા છે. શુક્રવારે સવારે પેલેસ્ટિનિયનોએ ઉત્તર ગાઝામાં ભારે ગોળીબારની જાણ કર્યા પછી આ ડહાપણભર્યું પગલું ભરવામાં આવ્યું હતું.  

નોંધનીય છે કે,ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ 7 ઓક્ટોબર, 2023 થી ચાલુ હતો. બંને પક્ષો વચ્ચે વધતી હિંસાએ આ પ્રદેશમાં અસ્થિરતા અને માનવતાવાદી કટોકટીને વધારી દીધી હતી, પણ હવે યુદ્ધવિરામ કરાર બાદ, એવી આશા છે કે તે શાંતિ તરફ એક સકારાત્મક પગલું હોઈ શકે છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું છે કે તેમના સૈનિકો ગાઝામાંથી પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. જો કે, કરારની શરતો અને તેના અમલીકરણની વિગતો હજુ સ્પષ્ટ નથી.

શુક્રવારે બપોરે યુદ્ધવિરામ અમલમાં આવે તે પહેલાં ઇઝરાયલી સૈન્યએ ગાઝામાં પહેલાથી જ હુમલાઓ શરૂ કરી દીધા હતા. તો બીજી બાજુ પેલેસ્ટિનિયા પર યુદ્ધવિરામ કરાર છતાં ઉત્તર ગાઝામાં સતત ગોળીબાર કરવામાં આવ્યો હતો અને સાથે ઇઝરાયલ પર પણ સંઘર્ષ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. કેટલાક અહેવાલો એ પણ દર્શાવે છે કે ગાઝા પટ્ટીમાં ભારે બોમ્બમારો અને હવાઈ હુમલા થઈ રહ્યા છે, જે પ્રાદેશિક તણાવને વધુ વધારી શકે છે. બંને પક્ષે આ સંઘર્ષથી હજારો લોકો પ્રભાવિત થયા છે, જેમાં નોંધપાત્ર એ છે કે નાગરિકોની  જાનહાનિ મોટી સંખ્યામાં થઈ છે. 

 

બંને પક્ષો ઇઝરાયલી બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓને પરસ્પર મુક્ત કરવા સંમત થયા પછી આ કરાર અમલમાં આવ્યો છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું છે કે તે યુદ્ધવિરામ કરારના તમામ પાસાઓનું પાલન કરશે અને આશા રાખે છે કે આ કરાર પરિસ્થિતિને શાંત કરશે.જોકે, ગાઝામાં ગોળીબાર અને હિંસાના બનાવો સતત ઉભરી રહ્યા હોવાથી,હાલમાં યુદ્ધવિરામ અસ્થિર દેખાય છે.

રાજકીય નિષ્ણાતો માને છે કે આ કરાર કામચલાઉ હોઈ શકે છે અને વાસ્તવિક શાંતિ માટે બંને પક્ષો વચ્ચે વધુ વાતચીતની જરૂર પડશે. યુદ્ધવિરામ કરાર કેટલી કડક રીતે લાગુ કરવામાં આવે છે અને તે બંને પક્ષો વચ્ચે કાયમી શાંતિનો માર્ગ મોકળો કરે છે કે કેમ તે જોવાનું બાકી છે. જ્યારે કેટલાક ઇઝરાયલી સૈન્યના આ પગલાને સકારાત્મક માને છે, તો અન્ય લોકો તેને ફક્ત કામચલાઉ શાંતિ તરીકે જુએ છે.

પેલેસ્ટિનિયનોમાં આ કરાર પર મિશ્ર પ્રતિક્રિયાઓ છે, કારણ કે ઘણા લોકો તેને ઇઝરાયલ દ્વારા તેમને છેતરવાનો પ્રયાસ માને છે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય સમુદાય પણ સંઘર્ષનો અંત લાવવા અને શાંતિ પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે દબાણ કરી રહ્યો છે.

(11:50 PM IST)