News of Saturday, 11th October 2025
અક્ષયકુમાર વડનગરના આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાથી અત્યંત પ્રભાવિત
વડનગરમાં હાટકેશ્વર મહાદેવના શરણે શીશ ઝૂકાવ્યું, પ્રેરણા સ્કૂલ અને મ્યુઝિયમની મુલાકાત લીધી

અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સમાં હાજરી આપવા ગુજરાત પધારેલા બોલિવૂડના સુપરસ્ટાર અક્ષયકુમારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અક્ષયકુમાર વડનગરના આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાથી અત્યંત પ્રભાવિત થયા હતા અને તેમણે પોતાના અનુભવો ભાવુક શબ્દોમાં વ્યક્ત કર્યા હતા.
સવારે વડનગર પહોંચેલા અક્ષયકુમારે સૌપ્રથમ પ્રાચીન અને પવિત્ર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. સ્વયંભૂ શિવલિંગના દર્શન અને મંદિરની અદ્ભુત કોતરણી જોઈને તેઓ અત્યંત આનંદિત થયા હતા. દર્શન બાદ તેમણે જણાવ્યું હતું કે, "અહીં હાટકેશ્વર મંદિરમાં આંખો બંધ કરીને શાંત ચિત્તે સાંભળો તો જાણે 'ઓમ નમઃ શિવાય'નો નાદ સંભળાય છે. આ એક અત્યંત શાંતિદાયક અનુભવ છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "હું પ્રથમવાર વડનગર આવ્યો છું અને અહીંનો સમૃદ્ધ ઇતિહાસ જાણીને મને ખૂબ જ આનંદ થયો છે."
હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ, અક્ષયકુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં અભ્યાસ કર્યો હતો તે પ્રેરણા સ્કૂલની પણ મુલાકાત લીધી હતી. આ શાળાની મુલાકાત લઈને તેઓ ભારતના વર્તમાન વડાપ્રધાનના બાળપણ અને શિક્ષણના સ્થાનથી પરિચિત થયા. આ ઉપરાંત, તેમણે વડનગરના આર્કિયોલોજિકલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. આ મ્યુઝિયમમાં સંગ્રહિત ઐતિહાસિક અવશેષો અને કલાકૃતિઓ જોઈને બોલિવૂડના ખેલાડી ગદગદ થઈ ગયા હતા. વડનગરના ઐતિહાસિક વારસાને તેમણે મુક્તપણે બિરદાવ્યો હતો.
વડનગરવાસીઓએ પણ પોતાના મહેમાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. અક્ષયકુમારનું તિલક કરીને તેમને આવકારવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે સ્થાનિક લોકોમાં તેમના આગમન પ્રત્યે કેટલો ઉત્સાહ હતો.
અક્ષયકુમારે પોતાની વડનગર મુલાકાત અંગે વધુમાં જણાવ્યું કે, તેઓ એક એવોર્ડ નાઈટ માટે ગુજરાત આવ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમને વડનગર જેવા ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્થળની મુલાકાત લેવાનો મોકો મળ્યો, જેનો તેમને ખૂબ જ આનંદ છે. તેમની આ મુલાકાત વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને વધુ પ્રકાશિત કરશે, અને ઘણા લોકોને આ પ્રાચીન નગરની મુલાકાત લેવા માટે પ્રેરિત કરશે. અક્ષયકુમારની આ મુલાકાત ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક વારસા માટે પણ સકારાત્મક અસર કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
