<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

બોટાદના ઘર્ષણ વચ્ચે ગોપાલ ઈટાલિયાની રાજકોટમાં ધમાકેદાર જનસભા : 'પોલીસે બોલાવેલા બુટલેગરોએ જ પથ્થરમારો કર્યો' - રાજકોટ કોર્પોરેશનમાં વિસાવદરવાળીનો હુંકાર

પાટીદારોના ગઢ મવડી વિસ્તારમાં AAPનું શક્તિ પ્રદર્શન : ઈટાલિયાએ સરકાર પર TP જમીનના ગોટાળાનો આક્ષેપ કર્યો : ખોડલધામના ટ્રસ્ટી દિનેશ પરસાણાના પુત્ર નૈમિષ પરસાણાએ ટીમ સાથે 'આપ'નો ખેસ ધારણ કર્યો

રાજકોટ: બોટાદમાં આમ આદમી પાર્ટી (AAP)ની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણના ગણતરીના કલાકોમાં જ રાજકીય ગરમાવો વધારતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ રવિવારે રાત્રે રાજકોટમાં જનસભા યોજી હતી. પાટીદારોના ગઢ ગણાતા મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક ખાતે આયોજિત આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઈટાલિયાએ બોટાદની ઘટનાને મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિવર્તનનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બોટાદ હિંસા પર ઈટાલિયાનો સનસનીખેજ આક્ષેપ:
બોટાદમાં AAPની શાંતિપૂર્ણ મહાપંચાયત દરમિયાન થયેલા પથ્થરમારા અને ઘર્ષણ મામલે ગોપાલ ઈટાલિયાએ ગંભીર નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટપણે આક્ષેપ કર્યો કે, "બોટાદમાં જે પથ્થરમારો થયો છે તે પોલીસના બોલાવેલા બુટલેગરોએ ટોળામાં સામેલ થઈને કર્યો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ કૃત્ય બાદ ગામલોકો અને ખેડૂતોને માર મારવામાં આવ્યો છે, પરંતુ આમ આદમી પાર્ટી ખેડૂતોની લડાઈ લડતી રહેશે.
રાજકોટ કોર્પોરેશન ચૂંટણીનું રણશિંગુ:
રાજકોટમાં જનસભાને સંબોધતા ઈટાલિયાએ શહેરની રાજનીતિમાં મોટા ફેરફારની આગાહી કરી હતી. તેમણે કહ્યું કે, "અહીં હાજર લોકોના ચહેરા જોઈને લાગે છે કે તેઓ પરિવર્તનના મૂડમાં છે." તેમણે દાવો કર્યો કે આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિસાવદર વાળી થવાનું નક્કી છે, જેનો અર્થ વિસાવદરની જેમ રાજકોટ કોર્પોરેશનમાં પણ AAPનો વિજય થશે. આ ઉપરાંત, ઈટાલિયાએ TP (ટાઉન પ્લાનિંગ)ની જમીન મુદ્દે મોટા ગોટાળા થતા હોવાનો પણ સખત આક્ષેપ કર્યો હતો.
ખોડલધામ ટ્રસ્ટીના પુત્રનો 'આપ'માં પ્રવેશ:
રાજકોટમાં આ જનસભા દરમિયાન આમ આદમી પાર્ટીને મોટું સંગઠનાત્મક બળ મળ્યું હતું. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ પરસાણાના પુત્ર નૈમિષ પરસાણા પોતાની સંપૂર્ણ ટીમ અને સમર્થકો સાથે ગોપાલ ઈટાલિયાની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. નૈમિષ પરસાણાના આ પગલાને સૌરાષ્ટ્રના પાટીદાર રાજકારણમાં મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

 

(11:29 PM IST)