<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

દારૂનું સેવન કોઈ પણ માત્રામાં કરો તે સુરક્ષિત જરા પણ નથી

દારૂને લઈને ખોટા ભ્રમમાં ન રહેતા, WHOની રિપોર્ટમાં થયો મોટો ખુલાસો દારૂ પીવાથી મોઢું, ગળું, લિવર, બ્રેસ્‍ટ અને કોલન કેન્‍સર જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે

નવી દિલ્‍હી તા.૧૩: દારૂને લઈને લોકો વચ્‍ચે એવી માનસિકતા છે જે ઘણી વખત ખોટી હોય છે. આજના સમયમાં લગ્નમાં કે પછી પાર્ટીમાં કે પછી તહેવારોમાં પણ દારૂ જાણે કે સામાન્‍ય વાત બની ગઈ હોય તેવું લોકોને લાગે છે. દારૂને સ્‍વાસ્‍થ્‍ય માટે નુકસાનકારક માનવામાં આવે છે કારણકે તેમાં આલ્‍કોહોલનું પ્રમાણ હોય છે જે શરીરની અંદર ઘણું નુકસાન પહોંચાડે છે. ઘણા લોકોને દારૂની આદત પડી જતી હોય છે અને તેઓ રોજ દારૂ પીવા લાગે છે.

ઘણી વખત લોકો એવું માનતા હોય છે કે ઓછી માત્રામાં દારૂ પીવું સુરક્ષિત છે. જોકે વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ મુદ્દે એક રિપોર્ટ શેર કરવામાં આવ્‍યો છે. આ રિપોર્ટને તમે પૂરી રીતે જાણશો તો તમે પણ ચોંકી જશો. વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશને દારૂને લઈને શું કહ્યું, તેના વધારે સેવનથી શરીરને કેટલું નુકસાન થાય છે તેને લઈને વિગતવાર માહિતી આજે અમે તમને જણાવીશું.

WHOના રિપોર્ટ પ્રમાણે દારૂનું સેવન કોઈ પણ માત્રામાં કરો તે સુરક્ષિત જરા પણ નથી માનવામાં આવતું પછી તેનું સેવન તમે ઓછું કરો કે વધારે કરો. દારૂનું એક ટીપું પણ સ્‍વાસ્‍થ્‍ય માટે ખતરા સમાન છે. રિપોર્ટ પ્રમાણે લોકોએ જરા પણ દારૂ ન પીવું જોઈએ. લોકોનું માનવું છે કે અમુક યોગ્‍ય પ્રમાણમાં દારૂ જેમકે રેડ વાઇન હૃદય માટે સારું હોય છે. જોકે ષ્‍ણ્‍બ્‍નું માનવું આ બધા દાવાઓ માત્ર ભ્રમિત કરતા હોય છે.

વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન અને ઇન્‍ટરનેશનલ એજન્‍સી ફોર રિસર્ચ ઓન કેન્‍સર અનુસાર દારૂ ગ્રુપ-૧ કેન્‍સરજન એટલે કે કેન્‍સર પેદા કરવા વાળો પદાર્થ છે. દારૂ પીવાથી મોઢું, ગળું, લિવર, બ્રેસ્‍ટ અને કોલન કેન્‍સર જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. આ જોખમ માત્ર દારૂ વધારે દારૂ પીનારા લોકો માટે નથી પરંતુ જે લોકો ઓછું દારૂ પીવે છે તેમના માટે પણ તેટલું જ છે.

ઘણીવાર લોકો માને છે કે યોગ્‍ય પ્રમાણમાં ઓછું દારૂ પીવું લાભકારક છે. જોકે નવા રિસર્ચ અને WHOએ ચેતવણી આપી છે કે દારૂ હૃદયની બીમારી, હાઈબીપી, સ્‍ટ્રોક અને મગજની સમસ્‍યાઓનું કારણ બની શકે છે. ખાસ કરીને સતત દારૂ પીવાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે. સાથે જ હાર્ટ ફેલ થવાનું જોખમ પણ વધી જાય છે.

વિશ્વમાં દર વર્ષે દારૂના કારણે લાખો લોકોના મોત થાય છે. દર વર્ષે લગભગ ૩૦ લાખ લોકો દારૂ સંબંધિત બીમારીઓને કારણે પોતાનો જીવ ગુમાવે છે. એટલે કે દર વર્ષે વિશ્વમાં જેટલી મોત થાય છે તેમાંથી ૫ ટકા લોકો માત્ર દારૂ પીવાને કારણે મૃત્‍યુ પામે છે. એક્‍સપર્ટોના જણાવ્‍યા પ્રમાણે દારૂ પીવાથી તમારી શારીરિક સ્‍વાસ્‍થ્‍ય ઉપર તો અસર થાય જ છે. સાથે જ તમારા માનસિક સ્‍વાસ્‍થ્‍ય ઉપર પણ તેની એટલી જ અસર પડે છે.

WHO અને અન્‍ય સ્‍વાસ્‍થ્‍ય એજન્‍સીઓનું સ્‍પષ્ટ કહેવું છે કે દારૂથી જેટલો ઓછો સંપર્ક થશે તેટલું સ્‍વાસ્‍થ્‍ય માટે સારું રહેશે. સૌથી સુરક્ષિત વિકલ્‍પ તો દારૂ ન પીવું છે. જો કોઈ વ્‍યક્‍તિને પહેલાથી દારૂ પીવાની કુટેવ છે તો તેણે ધીરે ધીરે આ આદતને ઓછી કરવી જોઈએ. દારૂને લઈને જેટલી પણ ભ્રામક વાતો છે તેને વૈજ્ઞાનિક તથ્‍યોથી સમજવી જરૂરી છે. જો તમે તમારા હૃદય, મગજ અને શરીરને લાંબા સમય સુધી સ્‍વસ્‍થ રાખવા માગો છો તો દારૂથી અંતર રાખવામાં સમજદારી છે.

(9:43 AM IST)