<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

એક દિવસમાં કેટલાની કમાણી કરે છે ભંગારવાળો? મહિનાની કમાણી જાણીને મગજ કામ નહિ કરે

કચરામાંથી કાઢે છે સોનું...સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ આ વાતને સાબિત કરી બતાવી છે કે કચરામાં પણ કમાણી છુપાયેલી હોય છે એક ભંગારવાળો દિવસમાં ૫૦થી ૧૦૦ ઘરો કવર કરે છે અને પ્રતિ ઘર ૧૦૦-૨૦૦ રૂપિયાનો નફો મેળવે છે

નવી દિલ્‍હી તા.૧૩: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ઘરોમાં રંગરોગાન થઈ રહ્યા છે, સજાવવામાં આવી રહ્યા છે અને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. દરેક ખૂણામાંથી જૂની વસ્‍તુઓ બહાર આવી રહી છે. તૂટેલા વાસણો, ખાલી બોટલો, કાગળનો કચરો અને ભંગારના ધાતુ. સામાન્‍ય લોકો માટે આ બધું ફેંકી દેવાની વસ્‍તુ છે, પરંતુ ભંગારના વેપારીઓ માટે આ સોનાથી ઓછું નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ આ વાતને સાબિત કરી બતાવી છે કે કચરામાં પણ કમાણી છુપાયેલી હોય છે.

@good_work_66 એકાઉન્‍ટ ચલાવતા મુંબઈના ૨૮ વર્ષના ઇન્‍સ્‍ટાગ્રામ ઇન્‍ફલુએન્‍સર ઋષિએ એક દિવસ માટે ભંગારના વેપારી તરીકે કામ કરવાનો અનોખો અનુભવ કર્યો. ‘વન ડે ઇન ધ લાઇફ ઓફ અ કબાડી' ટાઇટલની આ રીલને લાખો વ્‍યૂઝ મળ્‍યા છે અને લોકો આヘર્યમાં છે કે ‘‘કચરામાંથી પણ આટલું બધું કમાઈ શકાય?''

વીડિયોમાં ઋષિ ભંગારવાળાની જેમ જૂના કપડાં પહેરીને રસ્‍તા પર લારી લઈને નીકળે છે. શરૂઆતમાં તે કાચની બોટલો એકત્ર કરે છે. એક ઘરમાંથી ૧૦ બોટલો મળે છે, પરંતુ દર માત્ર ૨-૩ રૂપિયા પ્રતિ બોટલ. એક કલાકની મહેનત પછી તેના હાથમાં માત્ર ૮૦ રૂપિયા આવે છે. ત્‍યારબાદ તે કેમેરા સામે કહે છે, ‘‘આનાથી તો કંઈ કામ ચાલ્‍યું નહીં, હવે અસલી ગેમ સ્‍ટીલનો!''

પછી તે સ્‍ટીલના વાસણો, જૂની બાલ્‍ટીઓ અને તારનો કચરો એકઠો કરે છે. એક પડોશી પાસેથી ૫ કિલો સ્‍ટીલ મળે છે, જે ૨૫૦ રૂપિયા કિલો વેચાય છે. દિવસભર ૨-૩ કિલો એકઠો કરીને તે ભંગાર માર્કેટ પહોંચે છે. વજન કરાવતા જ ૮૦૦થી વધુ રૂપિયા મળી જાય છે.

ઋષિએ એક દિવસના આ અનુભવના આધારે મહિનાનો અંદાજ લગાવ્‍યો કે રોજ ૮૦૦-૧૦૦૦ રૂપિયાની કમાણી મુજબ મહિને આશરે ૨૦થી ૨૫ હજાર રૂપિયા આ ધંધાથી મળી શકે છે. વીડિયોમાં તે લોકલ ભંગારવાળા ભાઈ સાથે વાત કરે છે, જેમણે જણાવ્‍યું કે ફેસ્‍ટિવલ સીઝનમાં આ કમાણી બમણી થઈ જાય છે. એક ભંગારવાળો દિવસમાં ૫૦થી ૧૦૦ ઘરો કવર કરે છે અને પ્રતિ ઘર ૧૦૦-૨૦૦ રૂપિયાનો નફો મેળવે છે.

જો સ્‍ટીલ ૨૦-૩૦ રૂપિયા પ્રતિ કિલો, કાચ ૧-૫ રૂપિયા પ્રતિ પીસ અને કાગળ ૧૦-૧૫ રૂપિયા પ્રતિ કિલોના દરથી જોવામાં આવે, તો નાની મહેનત પણ સ્‍થિર આવક આપી શકે છે. ઋષિના જણાવ્‍યા મુજબ નાના કબાડીવાળા મહિને ૨૦-૨૫ હજાર રૂપિયા કમાય છે, જ્‍યારે મોટા હોલસેલર ભંગાર વેપારીઓ લાખોમાં કમાણી કરે છે. ઇન્‍ડસ્‍ટ્રી એક્‍સપર્ટ્‍સ અનુસાર, ભારતનો સ્‍ક્રેપ માર્કેટ આશરે રૂા.૫૦,૦૦૦ કરોડનો છે, જેમાં ૧૦ લાખથી વધુ લોકો રોજગાર મેળવે છે. એ સાબિત કરે છે કે કચરામાં પણ કમાણીનો ખજાનો છુપાયેલો છે.

(9:43 AM IST)