<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

ડૉનાલ્ડ ટ્રમ્પનો વિશ્વ શાંતિ દૂત તરીકેનો વધુ એક દાવો: 'ભારત-પાકિસ્તાન સહિત ૮ યુદ્ધ મે રોકાવ્યા !

વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાને વૈશ્વિક 'શાંતિ દૂત' તરીકે રજૂ કરીને વિવાદ ઊભો કર્યો છે. ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો છે કે તેમણે આઠ યુદ્ધોનો અંત આણ્યો છે, જેમાં ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ અને પરમાણુ શક્તિ ધરાવતા ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ પણ સામેલ છે.

ટ્રમ્પે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, "ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. આ વિશ્વનું આઠમું યુદ્ધ છે, જે મારા દ્વારા ઉકેલાયું છે."

ટેરીફનું 'આર્થિક શસ્ત્ર' યુદ્ધ રોકવા માટે વાપર્યું:

આ ઉપરાંત, ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઉકેલવાનો પણ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, "આર્થિક દબાણ અને ટેરીફના આર્થિક શસ્ત્ર દ્વારા વિશ્વની બે અણુ સત્તા ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ મેં રોકાવ્યું હતું." 

ટ્રમ્પે અનેકવાર આ વાતનું પુનરાવર્તન કર્યું છે અને એમ પણ કહ્યું છે કે જો તેઓએ ટેરીફનો ઉપયોગ ન કર્યો હોત તો કદાચ યુદ્ધોની સંખ્યા વધી ગઈ હોત. તેઓએ દાવો કર્યો કે તેમણે બંને દેશોને આર્થિક સંબંધો તોડવાની ધમકી આપીને ૨૪ કલાકમાં યુદ્ધ અટકાવી દીધું હતું.

જોકે, ભારતે ડૉનાલ્ડ ટ્રમ્પના આ દાવાને સતત નકારી કાઢ્યો છે. ભારત સરકારનું સ્પષ્ટ વલણ છે કે પાકિસ્તાન સાથેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય છે અને તેમાં કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકાર્ય નથી. ભારતના સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની સશસ્ત્ર સેનાઓના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે સીધી વાતચીત દ્વારા જ યુદ્ધવિરામ પર સહમતિ સધાઈ હતી. 

આ અગાઉ પણ, ભારતે કહ્યું હતું કે પાકિસ્તાનની વિનંતી બાદ જ યુદ્ધ જેવી પરિસ્થિતિને ટાળવામાં આવી હતી.

મહત્વનું છે કે, તાજેતરમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ એક નિવેદનમાં સ્વીકાર્યું હતું કે ભારતે ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી, જેનાથી ટ્રમ્પના દાવા પર વધુ સવાલ ઊભા થાય છે.

આમ, ડૉનાલ્ડ ટ્રમ્પ ભલે ઇઝરાયેલ-હમાસ સહિત વિશ્વમાં 'શાંતિ' સ્થાપિત કરવાનો દાવો કરતા હોય, પરંતુ ભારત-પાકિસ્તાન સંઘર્ષના મામલે તેમનો હસ્તક્ષેપ ભારતે સ્પષ્ટપણે ફગાવી દીધો છે.

(3:51 PM IST)