<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

બોટાદના હડદડમાં પથ્‍થરમારાની ઘટનામાં ર૦ ની અટકાયત

આમ આદમી પાર્ટીની મહા પંચાયતને રોકવા ગયેલ પોલીસ ઉપર પથ્‍થરમારો થતા ટીયર ગેસના સેલ છોડાયાઃ રાજકારણ ગરમાયું : ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, રાજુ કરવડા સહિતનાનો ભાજપ સામે આક્ષેપો

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૩ : બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કદડાને લઈને મામલો ગરમાયો છે, અને મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી  દ્વારા થનારુ હતું. જેને પગલે બોટાદના હડદડ ગામે મહાપંચાયતનું આયોજન હોય પોલીસ ગેરકાયદેસર જણાવીને રોકવા ગઈ હતી, ત્‍યારે સ્‍થાનિક લોકોએ પથ્‍થરમારો કર્યો અને ગાડી ઊંધી વાળી દીધી હતી. પોલીસે ટીયર ગેસ છોડ્‍યા હતા.  ૨૦ લોકોની પોલીસે અટકાયત કરી છે જો કે રસ્‍તામાંથી ઈશુદાન ગઢવીની બગોદરા નજીકથી અટકાયત પણ કરી લેવાઈ હતી.આ બનાવ થી રાજકારણ ગરમાયું છે.

મળતી  માહિતી મુજબ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના કપાસની ખરીદી યાર્ડમાં કર્યા બાદ જિનિંગ મિલમાં લઈ ગયા પછી વેપારીઓ દ્વારા ભાવ ઓછા કરી નાખવામાં આવતા હોવાને મામલો ગરમાયો છે. માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કદડાના નિયમને લઈને રાજકારણ પ્રવેશી ગયું છે. જેને લઇને એક મહાપંચાયતનું આયોજન કરાયું હતું. જો કે આ પંચાયતનું આયોજન બોટાદના હડદડ ગામે કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી. જેથી પોલીસ અને ગ્રામજનો વચ્‍ચે સંઘર્ષ સર્જાયો હતો. જો કે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી પણ આ મામલે ખેડૂતોની સમક્ષ હાજર રહેવાના હોય ત્‍યારે તેની પણ અટકાયત બગોદરા નજીક થઈ ગઈ હતી.

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો કપાસ ખરીદી કર્યા બાદ વેપારીઓ દ્વારા જીનીંગ મીલમાં લઈ જઈને કોઈ બહાના હેઠળ ભાવ ઓછા કરી નાખે છે, એટલે કે જે કદડો પ્રથા ચાલી આવતી હતી તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્‍યું હતું અને વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો. ઈશુદાન ગઢવી પણ આ મામલે પોતાનું નિવેદન આપી ચૂકયા છે, ત્‍યારે આમ આદમી પાર્ટી તરફથી એક મહાપંચાયતનું આયોજન કરાયું હોય જેને લઈને બોટાદ જિલ્લાના હડદડ ગામે મહાપંચાયત યોજનાર હતી.

મહાપંચાયતને લઈને કોઈ મંજૂરી ન હોવાને કારણે હડદડ ગામે મોટી સંખ્‍યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો, ત્‍યારે બોટાદના ડીએસપી ધર્મેન્‍દ્ર શર્માએ જણાવ્‍યું હતું કે આજરોજ હડદડ ગામમાં ગેરકાયદેસર મહાપંચાયતનું આયોજન કર્યું હતું. તેથી પોલીસ ડીટેન કરવા માટે આવી હતી ત્‍યારે ગેરકાયદેસર લોકોએ મંડળી બનાવીને મહાપંચાયતનું આયોજન કર્યું હોય જેને ડીટેઇન કરવા આવતા કેટલાક લોકો દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો અને પોલીસની ગાડીને પણ ઊધી વાળી દેવામાં આવી હતી.

બોટાદ DYSP મહર્ષિ રાવલ, LCB PI એ. જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી છે. DYSP મહર્ષિ રાવલ ને પગે થયું ફેક્‍સર, LCB PI એ. જી. સોલંકીને માથાના ભાગે સાત ટાકા આવ્‍યા, ઈજાગ્રસ્‍તોને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે.

બોટાદ જિલ્લાના હડદડ ગામે પોલીસે મહાપંચાયત યોજનાર લોકોને ડિટેઇન કરવા માટેની કાર્યવાહી કરતા ગ્રામજનો ઉશ્‍કેરાઈ ગયા હતા. જેમાં જાહેરમાં પોલીસ ઉપર પથ્‍થર મારો થતા ત્રણ જેટલા પોલીસકર્મીને ઇજા થઇ હોવાનું ડીએસપી ધર્મેન્‍દ્ર શર્માએ જણાવ્‍યું હતું. જો કે આ સાથે તેમને વધુમાં જણાવ્‍યું હતું કે જે લોકોએ પથ્‍થર મારો કર્યો છે, તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે. પોલીસે ૨૦ થી વધુ ની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. આ બનાવ થી રાજકારણ ગરમાયું છે. (૯.૧૦)

ચોટીલાના સાંગણી પાસેથી બેભાન મળેલા અજાણ્‍યા પ્રોૈઢનું મોત

રાજકોટ તા. ૧૩: ચોટીલા નજીકના સાંગણી ગામ પાસે ક્રિષ્‍ના હોટેલ નજીક અજાણ્‍યા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ બેભાન પડયા હોઇ ૧૦૮ને કોઇએ જાણ કરતાં તેને ચોટીલા હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃતકની ઓળખ મેળવવા અને મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી. (૧૪.૬)

 

 

(10:53 AM IST)