<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

અયોધ્‍યાના રાવત મંદિરના મહંતનું શંકાસ્‍પદ મૃત્‍યુઃ કરોડો રૂપિયાની જમીનનો સોદો કારણભૂત?

અયોધ્‍યાઃ અયોધ્‍યાના પ્રસિદ્ધ રાવત મંદિરના મહંત રામ મિલન દાસનું શનિવારે સાંજે શંકાસ્‍પદ સંજોગોમાં નિધન થયું છે. તેમના શિષ્‍યોના જણાવ્‍યા અનુસાર, સાંજે લગભગ સાત વાગ્‍યે ભોજન લીધાના થોડા સમય બાદ જ તેમના મોંમાંથી ફીણ નીકળવા લાગ્‍યા હતા. તેમને તાત્‍કાલિક શ્રી રામ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા, જ્‍યાં ડોક્‍ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે, કારણ કે મહંતે તાજેતરમાં જ મંદિરની આઠ કરોડ રૂપિયાની જમીન વેચી હતી. પોલીસ આ કેસમાં જમીનના સોદા સાથે જોડાયેલા કોઈ વિવાદ કે આર્થિક લેવડ-દેવડના એંગલથી પણ તપાસ કરી રહી છે.

પોલીસના મતે, મૃત્‍યુનું ચોક્કસ કારણ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવ્‍યા બાદ જ જાણી શકાશે. હાલ પોલીસે આકસ્‍મિક મૃત્‍યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને મહંતના નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે.(૩૮.૨૦)

(1:43 PM IST)