હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લેખક-હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદીનો મહાન સેવાયજ્ઞઃ છેલ્લા ૮ વર્ષમાં રૂ.૧૯ કરોડથી વધુનું દાન
એક પણ રૂપિયો વહીવટી ખર્ચ લીધા વિના આરોગ્ય અને શિક્ષણમાં સમર્પણ ડો.ત્રિવેદીએ આઠમા વર્ષનું ‘સોશિયલ ઓડિટ ઓફ સોશિયલ સર્વિસ' પુસ્તક કર્યુ લોકાર્પણઃ વઢવાણ ખાતેના જન્મસ્થળે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજનઃ પીએમ મોદીએ પણ ‘મન કી બાત'માં સેવાકાર્યને બિરદાવ્યું હતુ


વઢવાણ-ભુજ, તા.૧૩: જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ આજે પોતાના જીવનના ૫૮મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે તેમના અનોખા સેવાકાર્યનું સરવૈયું રજૂ કર્યું છે. તેમણે ૨૦૧૭માં ૫૦ વર્ષ પૂરા કર્યા ત્યારથી દેશ-વિદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક (કોઈપણ વહીવટી ખર્ચ લીધા વિના) આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાનમાં આપવાની પરંપરા જાળવી રાખી છે.
ગઈકાલે તા.૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ તેમણે આઠમા વર્ષનું સેવાનું સરવૈયું પ્રગટ કરતાં જાહેર કર્યું કે આજ દિવસ સુધીમાં તેમણે કુલ રૂ.૧૯,૨૩,૫૭,૬૩૪ (ઓગણીસ કરોડ, ત્રેવીસ લાખ, સત્તાવન હજાર, છસો ચોત્રીસ રૂપિયા) નું દાન કર્યું છે.
પારદર્શકતા
ડો. ત્રિવેદી દર વર્ષે પોતાના જન્મદિવસ પર આખા વર્ષના દાનનો વિગતવાર હિસાબ 'Social Audit of Social service' નામના પુસ્તક તરીકે પ્રકાશિત કરીને પોતાના કાર્યમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવે છે.
વડાપ્રધાન દ્વારા બિરદાવ્યા
તેમની આ સેવાભાવના અને પારદર્શકતાથી પ્રભાવિત થઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમના મન કી બાત કાર્યક્રમના ૧૦૮મા એપિસોડમાં ૩.૪૨ મિનિટ સુધી ડો. જગદીશ ત્રિવેદીની સેવા વિશે વિગતવાર વાત કરી હતી.
સેવાકાર્ય અને ઇમારતોનું નિર્માણ
ડો. જગદીશ ત્રિવેદી નાત-જાત, ધર્મ કે ભાષાના કોઈપણ ભેદભાવ વિના માત્ર આરોગ્ય અને શિક્ષણમાં જ દાન કરે છે.
શાળાઓ અને પુસ્તકાલયોઃ તેમણે આ ૧૯.૨૩ કરોડના દાનમાંથી અત્યાર સુધીમાં ૧૩ સરકારી શાળાઓ ચણીને સરકારને દાનમાં આપી છે અને બે શાળાઓ નિર્માણાધીન છે.
કુલ ૨૫ ઇમારતો
આ ઉપરાંત, તેમણે નવ સાર્વજનિક પુસ્તકાલયો, એક છાત્રાલય અને એક બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળીને આઠ વર્ષમાં કુલ ૨૫ જેટલી ઇમારતો ચણીને સમાજને અર્પણ કરી છે.તેમણે અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને દર્દીઓને પણ સીધી સહાય પૂરી પાડી છે.
જન્મદિવસની ઉજવણી
અને સન્માન
ડો.જગદીશ ત્રિવેદીનો જન્મદિવસ ગઈકાલે ૧૨ ઓક્ટોબરના વઢવાણ ખાતે શ્રીમતી સદગુણાબહેન સી.યુ.શાહ પ્રસુતિગળહ ખાતે ઉજવવામાં આવ્યો હતો, જ્યાં ૫૮ વર્ષ પહેલાં તેમનો જન્મ થયો હતો.
પુસ્તકનું લોકાર્પણ
આ પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુળુભાઈ બેરા, સાંસદ ચંદુભાઈ શિહોરા, વિધાનસભાના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેચા અને જાણીતા તબીબ ડો. પી.સી. શાહ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમના નવા પુસ્તક Social audit of Social serviceનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેમ્પનું આયોજન
જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. ઝાલાવાડના રાજપૂત સમાજે સદ્ભાવ વ્યક્ત કરતાં સૌપ્રથમ ૫૮ રાજપૂત યુવક-યુવતીઓએ રક્તદાન કર્યું હતું.
સેવાયજ્ઞ માટે દાન
ડો.પી.સી. શાહ અને ડો. નેહલ મનીષ પંડ્યાએ રૂ.૧,૦૮,૦૦૦/ અને પટેલ સમાજના આગેવાન ગોવિંદભાઈ વરમોરાએ રૂ.૫૮,૦૦૦/ જગદીશ ત્રિવેદીના સેવાયજ્ઞ માટે આપ્યા હતા, જે તેમણે નિર્માણાધીન સ્વામી સચ્ચિદાનંદજી શાળાને અર્પણ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી મુળુભાઈ બેરા તરફથી પણ તેમનું શાલ અને પુસ્તક વડે સન્માન કરવામાં આવ્યું હતું.
લેખક તરીકેની સિદ્ધિ
ડો.જગદીશ ત્રિવેદીને રાજ્યપાલ તરફથી ગુજરાત ગરિમા, મુખ્યમંત્રી તરફથી ગુજરાત ગૌરવ અને રાષ્ટ્રપતિ તરફથી સંગીત નાટક અકાદમી એવોર્ડ અને પદ્મશ્રી એમ બે પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમણે ત્રણ વખત પીએચડી કર્યું છે અને તેમના સાહિત્ય પર બે વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે. તેમણે કુલ ૮૨ પુસ્તકો લખ્યા છે, જેમાંથી ૬ પુસ્તકોને અકાદમી અને પરિષદના પુરસ્કારો મળ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
