<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

રેલવેમાં કામ કરતા પતિને કરવા ચૌથે રજા ન મળી તો પત્‍ની રેલવે-સ્‍ટેશન પહોંચી ગઈ અને વ્રત પૂરું કર્યુ

ઘટનાનો વિડિયો જોઈને અનેક લોકોએ કમેન્‍ટ કરી હતી કે આવી સમજુ પત્‍ની ભગવાન સૌને આપજો

કાનપુર, તા.૧૩: કાનપુરમાં કરવા ચૌથના દિવસે મહેશ ચંદ્ર નામના લોકો પાઇલટને છુટ્ટી નહોતી મળી. જોકે પત્‍ની માયાદેવીએ પતિ માટે આખા દિવસનું કરવા ચૌથનું વ્રત રાખ્‍યું હતું. પતિ રાતે રેલવે-સ્‍ટેશન પર કામે હતો ત્‍યારે ચાંદ જોઈને કોણ તેનું વ્રત ખોલાવશે એની ચિંતા હતી? કરવા ચૌથના દિવસે આવાં કારણોસર અનેક યુગલોમાં કચકચ થતી હોય છે. જોકે માયાદેવીએ આવી કોઈ જ માથાઝીક કરી નહીં. લાલચટક સાડીમાં સોળે શણગાર સજીને અને પૂજાની થાળી સજાવીને તે ખુદ કાનપુર સેન્‍ટ્રલ રેલવે-સ્‍ટેશને પહોંચી ગઈ. પતિએ પણ ડ્‍યુટીની વચ્‍ચે થોડોક સમય કાઢીને પત્‍નીનું કરવા ચૌથનું વ્રત ખોલાવી દીધું. સ્‍ટેશન પર જ માયાદેવીએ આકાશમાંથી દેખાતા ચાંદને જોઈને પતિની આરતી ઉતારી અને પગે લાગીને આશીર્વાદ માગ્‍યા.

મહેશ ચંદ્રનું કહેવું હતું કે થોડા સમય પહેલાં તેમણે બીમારીને કારણે બહુ રજાઓ લઈ લીધી હતી અને કરવા ચૌથના દિવસે બીજા ઘણા ડ્રાઇવરો રજા પર હતા એટલે રજા નહીં લઈ શકાય એવું નક્કી કરેલું. માયાદેવીએ પણ કહ્યું હતું કે ‘મારે પતિની જવાબદારી પણ સમજવાની હતી અને મારું વ્રત પણ નિભાવવાનું હતું એટલે મેં સ્‍ટેશન જઈને પૂજા કરી લીધી.' આ ઘટનાનો વિડિયો જોઈને અનેક લોકોએ કમેન્‍ટ કરી હતી કે આવી સમજુ પત્‍ની ભગવાન સૌને આપજો. 

(2:37 PM IST)