News of Monday, 13th October 2025
કફ સિરપ બનાવતી કંપનીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું
કોલ્ડરિફ કફ સિરપ કેસમાં તમિલનાડુ સરકારે કડક કાર્યવાહી કરી કંપનીના માલિકની ધરપકડ : બે વરિષ્ઠ ડ્રગ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ : સરકારે રાજ્યની અન્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે પણ તપાસનો આદેશ આપ્યો

ચેન્નાઈ, તા.૧૩: કોલ્ડરિફ કફ સિરપના કારણે થયેલા મળત્યુ બાદ, તમિલનાડુ સરકારે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માસ્યુટિકલ્સનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. આ કફ સિરપ ખાવાથી એકલા મધ્યપ્રદેશમાં બાવીસ બાળકોના મોત થયા છે.
તમિલનાડુ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે કંપની સામે આ કડક કાર્યવાહી કરી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, તપાસ પૂર્ણ થયા બાદ કંપનીને ઔપચારિક રીતે બંધ કરવામાં આવી છે. કોલ્ડરિફ કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ (DEG) વધુ પડતું હોવાનું જાણવા મળ્યું છે.
કંપનીના માલિકની ધરપકડઃ તમિલનાડુ સરકારે રાજ્યની તમામ દવા કંપનીઓની તપાસનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે શ્રીસન કંપનીના માલિક રંગનાથનને પણ ૧૦ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. મધ્યપ્રદેશ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ૯ ઓક્ટોબરે રંગનાથનની ધરપકડ કરી હતી.
તમિલનાડુ સરકારે બે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરોને પણ સસ્પેન્ડ કર્યા છે. નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં ૨૨ બાળકોના મળત્યુ બાદ ઘણા રાજ્યોમાં કોલ્ડરિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ સરકારે આ મામલાની તપાસ માટે SIT ની રચના કરી હતી. જોકે, કોલ્ડરિફ કફ સિરપ બનાવતી કંપનીનો પ્લાન્ટ તમિલનાડુમાં છે.
ભાજપ નેતા કે. અન્નામલાઈએ આ ઘટના માટે તમિલનાડુ સરકારની ટીકા કરી હતી. મામલો વધુ વકરી ગયા બાદ, સરકારે ડ્રગ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા હતા. સરકારે હવે કંપનીને બંધ કરી દીધી છે અને તેનું લાઇસન્સ રદ કરી દીધું છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
