News of Tuesday, 14th October 2025
માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૧૦નો સપોર્ટ આવતીકાલે મંગળવારે સમાપ્ત: કરોડો ભારતીય કમ્પ્યુટરો પર સાયબર જોખમ, યુઝર્સ પાસે અપગ્રેડ અથવા વધારાની સુરક્ષા ફીનો વિકલ્પ
જે યુઝર્સ વિન્ડોઝ ૧૧ માં અપગ્રેડ કરી શકતા નથી અથવા ૧ વર્ષનો વધુ સમય ઇચ્છે છે, તેમના માટે માઇક્રોસોફ્ટે એક્સ્ટેન્ડેડ સિક્યોરિટી અપડેટ (ઇ.એસ.યુ.) પ્રોગ્રામની જાહેરાત કરી: આ પ્રોગ્રામ મફત નથી, વધારાની ફી ચૂકવવી પડશે

માઇક્રોસોફ્ટના ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ૧૦ માટેની મફત સુરક્ષા અપડેટ્સનો સમયગાળો ૧૪ ઑક્ટોબર, ૨૦૨૫ ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, જેના પગલે ભારતમાં લાખો કમ્પ્યુટર્સ સાયબર હુમલાઓ માટે સંવેદનશીલ બની જશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ તારીખ પછી વિન્ડોઝ ૧૦ ને કોઈ પણ પ્રકારની મફત ટેક્નિકલ સહાયતા, ફીચર અપડેટ્સ અથવા સિક્યોરિટી ફિક્સ આપવામાં આવશે નહીં.
સપોર્ટ સમાપ્ત થવાથી, આ પ્લેટફોર્મ હેકર્સ માટે સરળ નિશાન બની શકે છે, જેનાથી માલવેર, રેન્સમવેર અને ડેટા ચોરીનું જોખમ વધશે. નિષ્ણાતોના મતે, વિશ્વભરમાં આશરે ૨૦ કરોડ એવા કમ્પ્યુટર્સ છે જે માઇક્રોસોફ્ટની સખત હાર્ડવેર જરૂરિયાતોને કારણે વિન્ડોઝ ૧૧ માં મફત અપગ્રેડ કરવા માટે લાયક નથી.
જે યુઝર્સ વિન્ડોઝ ૧૧ માં અપગ્રેડ કરી શકતા નથી અથવા વધુ સમય ઇચ્છે છે, તેમના માટે માઇક્રોસોફ્ટે એક્સ્ટેન્ડેડ સિક્યોરિટી અપડેટ (ઇ.એસ.યુ.) પ્રોગ્રામની જાહેરાત કરી છે. જોકે, આ પ્રોગ્રામ મફત નથી અને તેના માટે યુઝર્સને વધારાની ફી ચૂકવવી પડશે, જે સુરક્ષા અપડેટ્સને વધુ એક વર્ષ માટે ચાલુ રાખશે. યુઝર્સને તાત્કાલિક મહત્વપૂર્ણ ડેટાનો બેકઅપ લેવા અને જો શક્ય હોય તો વિન્ડોઝ ૧૧ માં અપગ્રેડ કરવા અથવા નવું પી.સી. ખરીદવાની સલાહ આપવામાં આવી છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
